બોડેલી શહેરના ગોપાલ ટોકીઝ વિસ્તારમા વીજ પ્રવાહની સમસ્યા.. વીજ કર્મચારીઓની અડધી રાત્રે દોડી પ્રસંસનીય કામગીરી


છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના ગોપાલ ટોકીઝ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પ્રવાહની સમસ્યા ગંભીર બની છે. ગંગાનગર, રામનગર, ગજાનંદ, જનકલ્યાણ સહિતની અનેક સોસાયટીઓમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે ઓવરલોડને કારણે વારંવાર ફોલ્ટ સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી લાઇટ બંધ રહેતા નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ MGVCL પાસે તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના ગોપાલ ટોકીઝ વિસ્તાર હેઠળ આવતા ગંગાનગર, રામનગર, ગજાનંદ અને જનકલ્યાણ સહીત અનેક સોસાયટીઓમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પ્રવાહની સમસ્યા વધી રહી છે. દિવસ દરમિયાન અને ખાસ કરીને રાત્રિના સમયે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા સ્થાનિક લોકો પરેશાન બની ગયા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ઉનાળાની ગરમી વધતા મોટાભાગના ઘરોમાં A.C., કુલર અને અન્ય વીજ ઉપકરણોનો ઉપયોગ વધી ગયો છે. જેના કારણે ટ્રાન્સફોર્મર અને વીજ લાઇન પર ભારે લોડ આવી રહ્યો છે. વધેલા ઓવરલોડના કારણે વારંવાર ફોલ્ટ સર્જાઈ રહ્યા છે અને આખા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે.
રાત્રિના સમયે વીજ પુરવઠો બંધ થઈ જતા લોકો ઊંઘી શકતા નથી. ગરમીના કારણે નાના બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની રહી છે. કેટલાક વિસ્તારોમાં તો રાત્રિ દરમિયાન બે થી ત્રણ વખત વીજ પુરવઠો ખોરવાતા લોકો ઘરની બહાર બેસવા મજબૂર બન્યા હતા.
છેલ્લા ઘણા સમયથી સમસ્યા યથાવત છે છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. જો કે MGVCLના કર્મચારીઓ રાત્રિના એક વાગ્યા કે બે વાગ્યાં હોય કામગીરી કરી ફોલ્ટ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીજ વિભાગના કર્મચારીઓ સતત મેદાનમાં રહી સેવા આપી રહ્યા છે, તેમ છતાં વધતા જતા લોડને કારણે સમસ્યા ફરી સર્જાઈ રહી છે.
સ્થાનિક રહીશો દ્વારા હવે વિસ્તારમાં વધારાનો ટ્રાન્સફોર્મર મુકવા, જૂની લાઇન બદલવા અને વીજ પુરવઠાની ક્ષમતા વધારવા માંગ ઉઠાવવામાં આવી છે. લોકોનું કહેવું છે કે ઉનાળાની સીઝનમાં દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે, ત્યારે MGVCL દ્વારા આગોતરા આયોજન કરવામાં આવે તો લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે અને MGVCL ના કર્મચારીઓને પણ અડધી રાત્રીની દોડા દોડી થી રાહત મળી શકે …
તોસીફ ખત્રી





