
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગના ગુરૂડિયા ગામે વ્યસન વિરુદ્ધ કડક પગલું; દારૂના વેચાણ-ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ, ભંગ કરનાર સામે ભારે દંડ અને પોલીસ કાર્યવાહીની ચીમકી આપી છે.ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં આવેલ ગુરૂડિયા ગામે સમાજ સુધારણા અને નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ઐતિહાસિક અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. ગામને સંપૂર્ણપણે વ્યસનમુક્ત બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા વિશેષ સભા યોજી મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઠરાવ મુજબ ગામની હદમાં દેશી તેમજ ઇંગ્લીશ દારૂના વેચાણ અને ખરીદી પર ૧૦૦ ટકા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.ગામના આગેવાનો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી યુવાનો વ્યસનની લત તરફ આકર્ષાઈ રહ્યા હતા, જેના કારણે પરિવાર અને સમાજ પર નકારાત્મક અસર પડી રહી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગામને વ્યસનમુક્ત બનાવવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને માન આપતા ઠરાવમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દેવકામ અથવા પરંપરાગત સામાજિક પ્રસંગોમાં વર્ષોથી ચાલતી આવતી રીત-રિવાજ મુજબ મર્યાદિત માત્રામાં દેશી મહુડાનો દારૂ બનાવવાની છૂટ રહેશે, પરંતુ તેનો વેપાર કે વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.ઠરાવનું કડક પાલન થાય તે માટે પંચાયતે આકરા દંડની જોગવાઈ પણ અમલમાં મૂકી છે. ગામમાં દારૂનું વેચાણ અથવા ઉત્પાદન કરતા કોઈ વ્યક્તિ ઝડપાશે તો તેને રૂ. ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવશે તેમજ તેની સામે પોલીસ કાર્યવાહી હાથ ધરાશે. એટલું જ નહીં, આવા વ્યક્તિને ગામમાંથી કોઈપણ વ્યક્તિ જામીન આપશે નહીં તેવો પણ સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે.બીજી તરફ, ગામની બહારથી દારૂ પીને આવતા વ્યક્તિ સામે પણ પંચાયત કડક વલણ અપનાવશે. આવા વ્યક્તિ પાસેથી રૂ. ૧૦ હજારનો દંડ વસૂલવામાં આવશે. વારંવાર નિયમનો ભંગ કરનાર વ્યક્તિ અને તેના પરિવાર સામે સામાજિક બહિષ્કાર જેવી કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ગામના સુખ-દુઃખના પ્રસંગોમાં આવા પરિવારને સામેલ નહીં કરવામાં આવે તેવો નિર્ણય લેવાયો છે.ગ્રામ પંચાયત દ્વારા આ ઠરાવની નકલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ જમા કરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગુરૂડિયા ગામની આ અનોખી અને કડક પહેલ સમગ્ર ડાંગ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે અને અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.





