શહેરામાં MGVCLનું મેગા સર્ચ ઓપરેશન: 6 ફીડરોમાં તપાસ દરમિયાન 68 વીજ ચોરીના કેસ પકડાયા, ₹14 લાખથી વધુનો દંડ ફટકારાયો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા વીજ ચોરી ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશના ભાગરૂપે આજે શહેરા સબ ડિવિઝન-1 અને 2 હેઠળના વિવિધ વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એમ જી વી સી એલ વડી કચેરી ના ઉચ્ચ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ આયોજિત આ માસ વીજ ચેકિંગ ડ્રાઈવમાં કુલ 6 જેટલા 11KV ફીડરો પર ત્રાટકેલી ટીમોએ દિવસ દરમિયાન કરેલી તપાસમાં મોટા પાયે ગેરરીતિઓ ઝડપી પાડી હતી. આ સમગ્ર કામગીરીમાં પોલીસ કાફલા અને સિક્યોરિટી જવાનોની હાજરીમાં કુલ 628 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 68 ગ્રાહકો વીજ ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ તમામ કસૂરવારોને કુલ 14.09 લાખ રૂપિયાના દંડકીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યા છે.
વિગતવાર માહિતી મુજબ, શહેરાના બામરોલી, નાથુજીના મુવાડા, ખાંડીયા, ખટાકપુર, ખોજલવાડા અને પાનમ-2 જેવા ગ્રામ્ય ફીડરો હેઠળ આવતા ડેમલી, અંબાજાટી, ઝોઝ, વરીયાલ, ખાંડીયા અને નાડા સહિતના અનેક ગામોમાં વહેલી સવારથી જ વીજ કંપનીની ટીમો ત્રાટકી હતી. આ કામગીરી માટે 20 જેટલી ટીમો બનાવવામાં આવી હતી જેમાં 50 થી વધુ ટેકનિકલ કર્મચારીઓ જોડાયા હતા. સુરક્ષાના ભાગરૂપે જીયુવીએનએલ પોલીસના 10 જવાનો અને રક્ષણ દળના 11 જવાનો સહિતનો મોટો કાફલો સાથે રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. સૌથી વધુ 4.80 લાખની આકારણી પાનમ-2 ફીડર વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યારે ખોજલવાડા ફીડર વિસ્તારમાં સૌથી વધુ 141 કનેક્શન તપાસવામાં આવ્યા હતા. MGVCLની આ લાલ આંખથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવા સંકેતો વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.







