
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્ય સરકારે તાજેતરમા જ કેટલાક સનદી અધિકારીઓની જાહેર હિતમા કરેલી બદલી અને બઢતીના કારણે ડાંગમાંથી, વિદાય લઈ રહેલા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનને જિલ્લાના વહીવટી તંત્ર સાથે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, મહેસુલી અધિકારી તેમજ કર્મચારીઓએ ભાવભીનુ વિદાયમાન આપ્યુ હતુ. છેલ્લા એકાદ વર્ષથી ડાંગ જિલ્લા વહીવટી તંત્રના વડા તરીકેનો પદભાર સંભાળી રહેલા સુશ્રી શાલિની દુહાને જિલ્લાની વિષમ પરિસ્થિતિ વચ્ચે ડિઝાસ્ટરની કામગીરી, ચૂંટણીલક્ષી SIR સંબંધિત કામગીરી, VVIP મુવમેન્ટ, અનેક ઉત્સવો અને તાજેતરમાં જ સંપન્ન થયેલા ‘ડાંગ દરબાર’ જેવા કાર્યક્રમો પણ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. તો જિલ્લાની મહેસુલી સેવાઓને અસરદાર બનાવવા સાથે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમને પણ ફળદાયી બનાવ્યો છે. ડાંગના દુર્ગમ ગામડાઓ ખૂંદીને ત્યાંના લોકોના સ્થાનિક પ્રશ્નોને પણ હલ કર્યા છે.
સાથે જ વિજળી, નાણાં અને પાણી બચાવવા સાથે, કચેરીના રિસોર્સનો બહેતર ઉપયોગ કરી પ્રજાહિત માટે કઇ રીતે વધુ સારુ કાર્ય કરી શકાય તે માટે વિષેશ ધ્યાન આપ્યુ હતુ. જ્યારે કૃષિ ક્ષેત્રે પ્રશંસનિય કામગીરી માટે ખેતીવાડી વિભાગને ‘સિલ્વર સ્કોચ એવોર્ડ’ અને ડાંગ પોલીસ પ્રશાસનને તેમના સંવેદનાસભર ‘દેવી પ્રોજેકટ’ માટે ‘ગોલ્ડ સ્કોચ એવોર્ડ’ પ્રાપ્ત થયો હતો. ઉપરાંત એસ્પીરેસનલ બ્લોક સુબીર ખાતે સરાહનીય કામગીરી બદલ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.
નોટિફાઈડ એરિયા સાપુતારા ખાતે પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળે તે માટે કલેકટર સુશ્રી શાલિની દુહાને ‘વિન્ટર ફેસ્ટિવલ’ અને ‘સમર ફેસ્ટિવલ’ જેવા ફેસ્ટિવલો શરૂ કરાવ્યા હતા. તેમજ પોતાના અનુભવ અને સુમેળભર્યા સ્વભાવથી સૌ અધિકારી, કર્મચારી, પદાધિકારીઓ, અને પ્રજાજનોનો વિશ્વાસ સંપાદિત કરી, સૌને સુશાસનનો અહેસાસ કરાવ્યો હતો.
દરમિયાન ડાંગ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી, કર્મચારીઓએ કલેક્ટરશ્રીના કાર્યકાળ દરમિયાન થયેલા અનુભવો સાથે તેઓની કામગીરીની પદ્ધતિ અંગે સંસ્મરણો રજુ કર્યા હતા. જિલ્લાના વડાને નવી જવાબદારીઓ બદલ શુભકામનાઓ પાઠવી, શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ અર્પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગમાંથી વિદાય લઈ રહેલા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનને રાજ્ય સરકારે અર્બન ડેવલોપમેન્ટ તથા અર્બન હાઉસિંગ વિભાગમા મ્યુનિસિપલ કમિશનર તરીકે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે નિયુક્ત કર્યા છે.




