MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં વડાગામ ૧૦૮ ઇમરજન્સી ટીમની સરાહનીય કામગીરી

  • મહીસાગર જિલ્લામાં વડાગામ ૧૦૮ ઇમરજન્સી ટીમની સરાહનીય કામગીરી
  • રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સત્વરે આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે કાર્યરત ૧૦૮ ઇમરજન્સી સેવા મહીસાગર જિલ્લામાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ખાનપુર તાલુકાના પાંડરવાડા વિસ્તારમાં વડાગામ ૧૦૮ ની ટીમે સમયસૂચકતા વાપરીને એક સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવીને માતા અને નવજાત બાળકીનો જીવ બચાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજ રોજ અંદાજિત ૦૫:૫૩ કલાકે ખાનપુર તાલુકાના પાંડરવાડા વિસ્તારમાં રહેતી એક મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા તેમના પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વડાગામ ૧૦૮ ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સગર્ભાની સ્થિતિની ગંભીરતા પારખીને, સમય વેડફ્યા વિના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સાગર ઠાકોર અને પાયલટ મયુરભાઈ પટેલે ઘટનાસ્થળે જ પ્રસૂતિ કરાવવાનો ત્વરિત નિર્ણય લીધો હતો.

આ ટીમે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર ફરજ બજાવતા ફિઝિશિયન ડો. મહેશ સરની ઓન-કોલ માર્ગદર્શન અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા આપવામાં આવેલી તાલીમનો ઉપયોગ કરી સુરક્ષિત અને સફળ પ્રસૂતિ કરાવી હતી. માતાએ એક સ્વસ્થ નવજાત પુત્રીને જન્મ આપ્યો હતો.
પ્રાથમિક સારવાર બાદ માતા અને બાળક બંનેને વધુ સંભાળ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બાકોર ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના ‘માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના’ સંકલ્પને વડાગામ ૧૦૮ ની આ ટીમે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યો છે. ૧૦૮ સેવાની આ સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ કામગીરીથી બે જીંદગી બચવા બદલ પરિવારજનોએ ટીમનો અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!