Rajkot; રાજકોટ ગ્રામ્ય જિલ્લાના એકમોમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા સંદર્ભે જાહેરનામું

તા.૧૬/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.કે.મુછારે જાહેર સલામતીને ધ્યાને લઈને એકમોમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ જિલ્લા વિસ્તારમાં થતી ધાડ, લૂંટ અને ચોરીઓના ગુના અટકાવવા તથા ગુના શોધવા માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ જ્વેલર્સ, શરાફી મંડળી, આંગડિયા પેઢી, પેટ્રોલ પંપ, મંદિર/આશ્રમ, હોસ્ટેલ/પી.જી., પવનચક્કી, ગેસ એજન્સી, મલ્ટીસ્ટોર અને ભંગારની દુકાન/ગોડાઉનમાં આવતી-જતી વ્યક્તિઓ તથા વાહનોની ઓળખ થઈ શકે, તે રીતે પૂરતી સંખ્યામાં નાઈટ વિઝન તથા હાઈ ડેફિનેશનવાળા કેમેરા ગોઠવવાના રહેશે. જે-તે એકમમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સ્પષ્ટ રીતે દેખાય, તે રીતે સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવાના રહેશે.
આ સી.સી.ટી.વી. કેમેરા રાત્રી દરમિયાન રેકોર્ડિંગ થઈ શકે તેવી ક્વોલિટીના રાખવા અને આવા ડિજિટલ રેકોર્ડિંગ તથા કોમ્પ્યુટર નોંધણીનો ડેટા બેકઅપ ૩૦ (ત્રીસ) દિવસ સુધી જાળવી રાખવાનો રહેશે. તેમજ સલામતી વિષયક બાબતો સંભાળતી પોલીસ સહિતની કોઈપણ એજન્સી આવા ડેટાની માંગણી કરે ત્યારે બનતી ત્વરાએ ઉપલબ્ધ કરાવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, આ હુકમ રાજકોટ પોલીસ કમિશનરેટની હકુમત સિવાયના સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિસ્તારમાં તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.




