ઘરઆંગણે મળશે આધાર સેવાઓ: બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં કુલ ૪૭ આધાર કીટો કાર્યરત

*ઘરઆંગણે મળશે આધાર સેવાઓ: બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં કુલ ૪૭ આધાર કીટો કાર્યરત*
*પાલનપુર ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી મિહીર પટેલના હસ્તે નાગરિકોની સુવિધા માટે નવી ૨૪ આધાર કીટોની ફાળવણી કરાઈ*
બૃહદ બનાસકાંઠા જિલ્લામાં નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત જનહિતલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ડિજિટલ સેવાઓને વધુ સુલભ બનાવવા તેમજ ગ્રામ્ય અને સીમાવર્તી વિસ્તારોના નાગરિકોને સરળતાથી આધાર સંબંધિત સેવાઓ મળી રહે તે હેતુસર બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહીર પટેલના નેતૃત્વમાં કામગીરી કરાઈ છે. કલેકટર શ્રી મિહિર પટેલના હસ્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતેથી નવીન ૨૪ આધાર કીટોની ફાળવણી કરવામાં આવતા હવે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં કુલ ૪૭ આધાર કીટો કાર્યરત થઈ છે.
આ નવી વ્યવસ્થા અંતર્ગત જિલ્લામાં આવેલા તમામ તાલુકાઓમાં તાલુકા દીઠ ૨ આધાર કીટો ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિકોને આધાર કાર્ડ સંબંધિત કામગીરી માટે લાંબા અંતર સુધી જવું ન પડે. ખાસ કરીને સીમાવર્તી અને અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે માટે વાવ તાલુકામાં ૪ અને સુઈગામ તાલુકામાં ૩ આધાર કીટો ફરતી રાખવામાં આવશે, જ્યારે દરેક તાલુકામાં ૨ કીટ સ્થાયી રૂપે કાર્યરત રહેશે.
આ આધાર કીટોના માધ્યમથી નવીન આધાર નોંધણી, આધાર અપડેશન, બાયોમેટ્રિક સુધારા, મોબાઈલ નંબર અપડેટ સહિતની વિવિધ સેવાઓ ઝડપથી ઉપલબ્ધ બનશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આધાર સેવાઓને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે તાલુકા સ્તરે તાલીમબદ્ધ કર્મચારીઓની નિમણૂક સાથે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. આ સુવિધાથી વૃદ્ધો, દિવ્યાંગો, મહિલાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વિશેષ લાભ મળશે અને સમય તેમજ ખર્ચ બંનેમાં રાહત મળશે. જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને નાગરિકોને સમયસર અને ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી તથા આધાર સેવાઓનો વ્યાપ વધુ વિસ્તૃત બનાવી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.





