PANCHMAHALSHEHERA

ઓપરેશન “Mule Hunt” હેઠળ શહેરા પોલીસને મોટી સફળતા: બેંકના પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત ત્રણ સાયબર ઠગોની ધરપકડ

 

પંચમહાલ ગોધરા

 

નિલેશભાઈ દરજી શહેરા

ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમના ગુના આચરવા માટે વપરાતા મોકળા ખાતા એટલે કે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ઓપરેટ કરનારાઓ વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ ઓપરેશન “Mule hunt” અંતર્ગત શહેરા પોલીસને એક મોટી સફળતા મળી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશભાઇ દુધાતના માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસે સુરતથી બે અને ગોધરાથી એક મળી કુલ ત્રણ સાયબર ઠગોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં પી.ડી.સી બેંકના પૂર્વ કરાર આધારિત બ્રાન્ચ ઓફિસર સપન ઘનશ્યામભાઈ પરીખ (રહે. ગોધરા) તેમજ મૂળ ઉત્તર પ્રદેશ અને બિહારના અને હાલ સુરતના પાંડેસરામાં રહેતા આદર્શ વિજયકુમાર શુકલા (ઉં.વ. ૧૯) અને જિશુ પંકજ મિશ્રા (ઉં.વ. ૨૧) નો સમાવેશ થાય છે. આ ગુનાહિત કાવતરામાં સંડોવણી બહાર આવતા બેંક દ્વારા આ બ્રાન્ચ ઓફિસરને અગાઉ જ ટર્મિનેટ કરી દેવામાં આવ્યા હતા.

 

આ સમગ્ર સાયબર કૌભાંડનો પર્દાફાશ ભારત સરકારના ઇન્ડીયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટરના ‘સામન્વય પોર્ટલ’ પર ઉપલબ્ધ ડેટા અને સાયબર સેન્ટર ઓફ એક્ષીલન્સ, ગાંધીનગર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતોના આધારે થયો છે. શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભે પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી બે ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. પકડાયેલા આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં ગુજરાત પોલીસની ‘Mule Hunt’ ડ્રાઈવ અંતર્ગત રાજ્યભરમાં ગાજેલા રૂ. ૮૦૪ કરોડથી વધુ રકમના મહાસ્કેમમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સાગર અશોક સેન (રહે. સુરત) અને દાહોદ જિલ્લાના રાહુલ બારીયા ઉર્ફે રાહુલ અગ્રવાલના નામો ખુલ્યા છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

 

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, સુરતના અલગ-અલગ ચાર ઈસમોના નામે શહેરાની પીડીસી બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા હતા. આ ચારેય બેંક એકાઉન્ટ્સમાં માત્ર ૩૦ થી ૩૫ દિવસના ટૂંકા ગાળામાં જ રૂ. ૩.૨૭ કરોડ જેટલી માતબર રકમના શંકાસ્પદ હાઇ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ અને એટીએમમાંથી કેશ વિડ્રોઅલ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ ચાર પૈકીના એક ખાતાના ટ્રાન્ઝેક્શન બાબતે કેરળ રાજ્યના તિરુવનંતપુરમ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને આઈ.ટી. એક્ટ મુજબ ગુનો પણ નોંધાયેલો છે, જેથી શહેરા પોલીસે આ અંગે કેરળ પોલીસને પણ સત્તાવાર જાણ કરી દીધી છે. હાલમાં પોલીસ પકડાયેલા ત્રણેય આરોપીઓની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે અને આગામી દિવસોમાં આ સાયબર રેકેટમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.

Back to top button
error: Content is protected !!