
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ-કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરતા રાજકીય સમીકરણો તેજ બન્યા છે.ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈ સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.જિલ્લા પંચાયતની સત્તા પર કબજો જાળવી રાખવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની રાજકીય રણનીતિ વધુ સક્રિય બનાવી દીધી છે.ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે બંને પક્ષોના ઉમેદવારોએ સત્તાવાર રીતે દાવેદારી નોંધાવતા રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે.ભાજપ તરફથી જિલ્લા પંચાયતનાં પ્રમુખ પદ માટે કડમાલ બેઠક પરથી વિજેતા થયેલા રાજેશ ગામીતે ઉમેદવારી નોંધાવી છે.જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપે ઉષાબેન ધર્મેશભાઈ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપ પાસે 12 બેઠકો હોવાના કારણે પક્ષમાં સત્તા જાળવી રાખવાનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.બીજી તરફ કોંગ્રેસ પણ ચૂંટણી મેદાનમાં પૂરજોશમાં ઉતરી છે. કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે સ્નેહલ ઠાકરે અને ઉપપ્રમુખ પદ માટે મંગળ ગાવિતે ઉમેદવારી નોંધાવી છે.કોંગ્રેસ પાસે 6 બેઠકો હોવા છતાં રાજકીય સમીકરણોમાં ફેરફાર સર્જાય તેવી આશાએ પક્ષે ચૂંટણીમાં રસપ્રદ લડત ઊભી કરી છે.ડાંગ જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગલિયારાઓમાં અનેક અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આંતરિક અસંતોષ અને ગૃપબાજીની ચર્ચાઓ વચ્ચે આવતીકાલની ચૂંટણી પ્રક્રિયા પર સૌની નજર ટકેલી છે.હવે જોવાનું રહ્યું કે જિલ્લા પંચાયતના સત્તા સિંહાસન પર કોણ બિરાજમાન થાય છે અને આ ચૂંટણી બાદ ડાંગ જિલ્લાના રાજકીય સમીકરણોમાં કયા નવા વળાંકો જોવા મળે છે.તે જોવું જ રહ્યુ..





