GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે મગરના હુમલાની દુઃખદ ઘટના બાદ 11 ફૂટનો મગર પાંજરે પુરાયો

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામ નજીક થોડા દિવસો પહેલા બનેલી મગર હુમલાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાવ્યો હતો.

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે મગરના હુમલાની દુઃખદ ઘટના બાદ 11 ફૂટનો મગર પાંજરે પુરાયો

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામ નજીક થોડા દિવસો પહેલા બનેલી મગર હુમલાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાવ્યો હતો. હરમડીયા અને એભલવડ ગામ વચ્ચે આવેલી સાંગાવાડી નદીમાં નાના વિવાન પર મગરે જીવલેણ હુમલો કરતા પરિવાર સહિત સમગ્ર વિસ્તાર દુઃખમાં ગરકાવ થઈ ગયો હતો. હવે આ ઘટનાના અનુસંધાને વન વિભાગે કાર્યવાહી તેજ બનાવી હતી અને આજે નદી કિનારે ગોઠવાયેલા પાંજરામાં આશરે 11 ફૂટ લાંબો મગર ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ હરમડીયા ગામે આંબાના બગીચામાં કામ પૂર્ણ કર્યા બાદ દિનેશભાઈ પોતાના પુત્ર વિવાન સાથે સાંજના સમયે સાંગાવાડી નદી કિનારે હાથ-પગ ધોવા ગયા હતા. તે દરમિયાન અચાનક પાણીમાંથી બહાર આવેલા મગરે નાના વિવાન પર હુમલો કર્યો હતો. આંખ ઝબકાય તે પહેલાં જ મગરે બાળકને પોતાના જબડામાં પકડી નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધો હતો. ઘટનાથી દિનેશભાઈ ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક ગ્રામજનો, વન વિભાગ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આશરે પાંચ કલાક સુધી સતત રેસ્ક્યૂ અને શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ મગર પાસેથી વિવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી તેમજ ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટના બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને સાંગાવાડી નદી કિનારે મગરને પકડવા માટે અનેક જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. સતત નજર રાખવામાં આવી રહી હતી ત્યારે આજે એક વિશાળ મગર પાંજરામાં આવી ચડ્યો હતો. ઝડપાયેલા મગરની લંબાઈ અંદાજે 11 ફૂટ હોવાનું જાણવા મળ્યું છે.

વન વિભાગના અધિકારી મકવાણાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ આ જ મગર હુમલાખોર હોવાની શક્યતા વધુ છે. કારણ કે આ વિસ્તારમાં આટલી મોટી બીજી કોઈ મગર હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. ઉપરાંત આ મગર માણસોથી બિલકુલ ડરતો ન હતો અને જ્યાં માણસોની અવરજવર દેખાતી ત્યાં સુધી આગળ આવી જતો હતો. જોકે અંતિમ પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે.

હાલ વન વિભાગ દ્વારા ઝડપાયેલા મગરને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે નદી કિનારે રહેતા લોકો અને ખેતમજૂરોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ગ્રામજનોએ પણ નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠાવી છે જેથી આવી દુઃખદ ઘટના ફરી ન બને

Back to top button
error: Content is protected !!