ચોટીલા નાયબ કલેકટર દ્વારા થાનગઢ અને મુળી તાલુકાનાં ગેરકાયદેસર ખનન અટકાવવા ડ્રોન રાખશે નજર

તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂળી વિસ્તારમાં ગેરકાયદેસર કોલસા ખનીજ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા આધુનિક ટેક્નોલોજીનો આશરો લેવામાં આવ્યો છે અગાઉ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓ ફરીથી શરૂ ન થાય તે માટે નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ વિશેષ મોનીટરિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કોલસા ખનનથી પ્રભાવિત એવા ખાસ કરીને જામવાળી, ભડુલો, ભેટ, અસુંદ્રાળી, ધોળિયા, ઉમરડા, વગડીયા અને ખંપાળિયા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં તંત્ર દ્વારા ડ્રોન ટેક્નોલોજી મારફતે સતત હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે દૂરના અને અંતરિયાળ વિસ્તારો કે જ્યાં સામાન્ય રીતે વહીવટી ટીમનું તાત્કાલિક પહોંચવું મુશ્કેલ હોય ત્યાં ડ્રોન સર્વેલન્સના કારણે અસરકારક દેખરેખ અને ક્ષણે-ક્ષણની માહિતી મેળવવી શક્ય બની છે ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવતા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું છે કે “સરકારી જમીન, કુદરતી સંપત્તિ તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં નિયમોનો ભંગ કરી કોલસાના કુવાઓ પુનઃ શરૂ કરનાર અસામાજિક તત્વો અને ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કડક રાહે કાર્યવાહી હાથ ધરવામાં આવશ તે એક અખબારી યાદીમાં જણાવાયું છે ત્યારે ઉલ્લેખનીય છેકે અગાઉ પણ તંત્ર દ્વારા આ વિસ્તારોમાં મોટા પાયે દરોડા પાડીને ગેરકાયદેસર કોલસાના કુવાઓ સીલ કરવામાં આવ્યા હતા આ કુવાઓ ફરી સક્રિય ન થાય તે હેતુસર આધુનિક ટેક્નોલોજી અને સુદ્રઢ વહીવટી વ્યવસ્થાના સમન્વયથી પ્રશાસન સતત કાર્યરત છે.




