MEHSANAVIJAPUR

લાડોલ પોલીસે મંદિરોમાં ચોરી કરનાર મારવાડી ગેંગનો પર્દાફાશ કર્યો

જંત્રાલ પાસે ખેતરમાં પડાવ નાખી રહેતા બે આરોપી ઝડપાયા, અનેક મંદિરોમાં ચોરી કબૂલી

લાડોલ પોલીસે મંદિરોમાં ચોરી કરનાર મારવાડી ગેંગનો પર્દાફાશ કર્યો
જંત્રાલ પાસે ખેતરમાં પડાવ નાખી રહેતા બે આરોપી ઝડપાયા, અનેક મંદિરોમાં ચોરી કબૂલી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરોમાં સતત થતી ચોરીઓનો ભેદ ઉકેલી લાડોલ પોલીસે મારવાડી નટ ગેંગના બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે અલગ અલગ મંદિરોમાંથી ચોરાયેલ ચાંદી જેવા ધાતુના છત્તર, નાગ તથા મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી તથા વિસનગર વિભાગના ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ દ્વારા ઘરફોડ, મંદિર ચોરી અને અન્ય મિલકત સંબંધિત ગુનાઓ શોધવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તેના આધારે લાડોલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. ડામોર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
બાતમીના આધારે પોલીસ ટીમ જંત્રાલ ગામે ડગમગ હોટલ સામે આવેલા ખેતરોમાં પહોંચી હતી. ત્યાં કેટલાક ઇસમો પરિવાર સાથે પડાવ નાખી રહેતા હોવાનું અને ભીખ માંગવાના બહાને ગામોમાં ફરી મંદિરોની રેકી કરી ચોરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દરોડો પાડી બે આરોપીઓ એક પ્રકાશભાઈ મંગળદાસ ઉર્ફે રાજુભાઈ ચેનીયાદાસ અને બીજો સુનીલ મંગળદાસ ઉર્ફે રાજુભાઈ ચેનીયાદાસ ને ઝડપી લીધા હતા.જ્યારે જગદીશભાઈ મંગળદાસ ઉર્ફે રાજુભાઈ ચેનીયાદાસ હાલ નાસતા ફરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસની તપાસ દરમિયાન આરોપીઓએ પિલવાઈ, પટેલપુરા, વેડા, પામોલ, કેલીસણા, આજોલ, વાલમ, ધીણોજ, ઝુલાસણ અને ડાંગરવા સહિતના ગામોના મંદિરોમાં દિવસ અને રાત્રિના સમયે નાની મોટી ચોરીઓ કર્યાની કબૂલાત કરી હતી. આરોપીઓ ખાસ કરીને ખેતરોમાં આવેલા નાના મંદિરોને નિશાન બનાવતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી ચાંદી જેવા ધાતુના મોટા-નાના છત્તર, નાગ, ગોગા મહારાજની મૂર્તિઓ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ખંડોસણ અને ઉબખલ ગામે થયેલી ચોરીનો મુદ્દામાલ પણ સામેલ છે. સમગ્ર મુદ્દામાલની કિંમત લાખો રૂપિયામાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
આ કામગીરીમાં પીઆઈ આર.એસ. ડામોર, એએસઆઈ કિરણકુમાર શંકરલાલ, શૈલેષભાઈ ઈશ્વરભાઈ, રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, ઇશ્વરજી અમૃતજી, ચમનજી વિઠા તથા ભાવિકકુમાર દિનેશભાઈ સહિતની પોલીસ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Back to top button
error: Content is protected !!