Rajkot: રાજકોટ જિલ્લામાં ૩૪૦૦થી વધુ ગણતરીદારો-સુપરવાઈઝર્સની વસ્તીગણતરીની તાલીમ પૂર્ણ

તા.૨૭/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
હાઉસ લિસ્ટિંગ ઓપરેશન અંતર્ગત ૧ જૂનથી ગણતરીદારો ઘર ગણતરીની કામગીરી કરશે
Rajkot: રાજકોટ જિલ્લામાં વસ્તીગણતરીની કામગીરી સુચારુ રીતે કરવા માટે ૧૧ તાલુકા તથા ૦૬ નગરપાલિકામાં કુલ મળીને ૩૪૦૦થી વધુ ગણતરીદારો અને સુપરવાઇઝર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. હવે ગણતરીદારો ૧ જૂનથી પોતાને ફાળવાયેલા વિસ્તારોમાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ઓપરેશન અંતર્ગત ઘર ગણતરીની કામગીરી કરશે.

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી તથા પ્રિન્સિપલ સેન્સસ ઓફિસરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ, એડિ. ડિસ્ટ્રીક્ટ સેન્સસ ઓફિસર શ્રી સુશીલ પરમારના માર્ગદર્શન અને નોડલ ઓફિસરશ્રી સમીર રાવલના સંકલનમાં જિલ્લામાં કુલ ૭૩ બેચમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અધિક જિલ્લા વસ્તીગણતરી અધિકારીની કચેરી તરફથી મળેલી વિગતો મુજબ, વિવિધ તાલુકા મથકો તથા નગરપાલિકા વિસ્તાર તથા ઇન્ડસ્ટ્રીયલ નોટિફાઇડ એરિયામાં ૧૧મી મેથી તાલીમો શરૂ કરવામાં આવી હતી, જે ૨૫મી મેના રોજ પૂર્ણ થઈ છે. દરેક બેચને ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી છે. કુલ મળીને અનુભવી ૫૪ ફીલ્ડ ટ્રેનર્સ દ્વારા ૨૯૮૨ ગણતરીદારો તથા ૪૯૪ સુપરવાઇઝર્સ મળીને કુલ ૩૪૭૬ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે.

આ તાલીમસત્રો દરમિયાન ઉપસ્થિત તાલીમાર્થીઓને વસ્તી ગણતરીની પ્રક્રિયા, ડિજિટલ એપ્લિકેશનનો ઉપયોગ, ફિલ્ડ વર્કની જવાબદારીઓ અને ડેટા કલેક્શન પ્રોટોકોલ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.
હવે આ તાલીમબદ્ધ ગણતરીદારો ૧ જૂનથી ફીલ્ડમાં જઈને હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસની કામગીરી કરશે. દરમિયાન સુપરવાઇઝર્સ આ ગણતરીદારોની કામગીરીનું નિરિક્ષણ અને સંકલન કરશે તથા જરૂરી માર્ગદર્શન આપશે.
નોંધનીય છે કે, વસ્તીગણતરી અંતર્ગત હાલ સ્વગણનાનો તબક્કો ૩૧ મે સુધી ચાલી રહ્યો છે, ત્યારે નાગરિકો હજુ પણ સ્વ-ગણના પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાની વિગતો સબમિટ કરી શકે છે.




