ARAVALLIMODASA

ગુજરાતમાં મંજૂર થયેલા ૯૪ BSNL ટાવરમાંથી ૩૨ ટાવર સાબરકાંઠા-અરવલ્લીને ફાળવાયા: સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત રંગ લાવી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ગુજરાતમાં મંજૂર થયેલા ૯૪ BSNL ટાવરમાંથી ૩૨ ટાવર સાબરકાંઠા-અરવલ્લીને ફાળવાયા: સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત રંગ લાવી

હિંમતનગર: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગ્રામીણ, પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કની જટિલ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સાબરકાંઠા લોકસભાના જાગૃત સાંસદ શોભનાબેન એમ. બારૈયા દ્વારા કરવામાં આવેલી સઘન રજૂઆતોને ઐતિહાસિક સફળતા મળી છે.

કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગ (BSNL) દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય માટે કુલ ૯૪ નવા મોબાઈલ ટાવર મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી સિંહફાળો એટલે કે ૩૨ નવા મોબાઈલ ટાવર માત્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે મંજૂર કરવામાં આવ્યા છે.આ જંગી અને વિશેષ મંજૂરી બદલ સાંસદ શોભનાબેન બારૈયાએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી તથા ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદ  શોભનાબેન બારૈયાએ છેવાડાના માનવીની આ ગંભીર સમસ્યા અંગે લોકસભામાં પણ અવાજ ઉઠાવ્યો હતો. તદુપરાંત, તેમણે કેન્દ્રીય સંચાર મંત્રી  જ્યોતિરાદિત્ય સિંધિયાજીને પત્ર લખીને વિસ્તૃત રજૂઆત કરી હતી કે નેટવર્કના અભાવે સ્થાનિક નાગરિકોને ડિજિટલ શિક્ષણ, આરોગ્ય સેવાઓ, બેન્કિંગ અને ઈ-ગવર્નન્સના કાર્યોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સાંસદની આ લોકહિતલક્ષી અને સંવેદનશીલ રજૂઆતને કેન્દ્ર સરકારે અત્યંત ગંભીરતાથી લીધી હતી અને ત્વરિત કાર્યવાહી કરતા પ્રભાવિત વિસ્તારો માટે આ ૩૨ નવા BSNL ટાવર (CAT-6) ની ફાળવણી કરી છે. આ મંજૂર થયેલા ટાવરોનો લાભ મુખ્યત્વે  તાલુકાઓ આ મુજબ મળશે હિંમતનગર તાલુકો,ભિલોડા તાલુકો (ગુજરાત-રાજસ્થાન સીમા ક્ષેત્ર),પોશીના તાલુકો ,ખેડબ્રહ્મા તાલુકો ,આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લીના છેવાડાના અને ખાસ કરીને આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં નેટવર્ક સિગ્નલની કમી અને કોલ ડ્રોપની સમસ્યાનો અંત આવશે અને ઇન્ટરનેટ સ્પીડમાં નોંધપાત્ર સુધારો થશે.પોતાની રજૂઆતને ધ્યાને લઈ સત્વરે આટલી મોટી સંખ્યામાં ટાવર ફાળવવા બદલ સાંસદ એ હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર હંમેશા ગ્રામીણ ભારતના વિકાસ અને ડિજિટલ સમાવેશન માટે કટિબદ્ધ છે.આખા ગુજરાતમાં મંજૂર થયેલા ૯૪ માંથી ૩૨ ટાવર આપણા વિસ્તારને મળવા એ આપણા નાગરિકોના સામાજિક-આર્થિક સશક્તિકરણની દિશામાં એક ખૂબ મોટું કદમ છે.”

Back to top button
error: Content is protected !!