જેલોમાં પણ ઈલુ ઇલુ ? – એમ. એમ. દવે નિવૃત્ત જેલર

તા.29/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
મિત્રો એક એબ્સર્ડ અને રસપ્રદ વિષય ઉપર વાત કરવી છે કે દેશની જેલોમાં માત્ર ગાળાગાળી, લાઠી,
નફરત અને ગુસ્સો જ ન હોય ત્યાં પણ વીરરસ સાથે ક્યારેક શ્રૃંગાર રસનું અસ્તિત્વ પણ હોય છે. જેલોમાં પણ પ્રેમ સાથે લાગણી ભર્યો માહોલ પણ હોય છે. તાજેતરમાં મધ્ય પ્રદેશની સતના ડીસ્ટ્રિક્ટ જેલના એક મહિલા આસી. જેલ સુપ્રિટેન્ડેન્ટ ફિરોઝા ખાતુન અને જેલનો પૂર્વ કેદી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે અભિલાષના પ્રેમલગ્નની ચર્ચાએ બહુ જોર પકડ્યું છે. સ્વાભાવિક છે કે સામાન્ય લોકોને આશ્ચર્ય થાય કે એક મહિલા જેલર અને એક કેદી વચ્ચે પ્રેમ સબંધ કેવી રીતે બંધાઈ શકે ! કેમ કે લોકોને જેલર અને કેદી ઓપોઝિટ પાત્રો લાગે ! આશ્ચર્ય થવું સાહજીક છે પણ મારી જેલરની નજરે આ ઘટના માટે આશ્ચર્યની વાત નથી. કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણ વ્યક્તિને કોઈની પણ સાથે કોઈ પણ સ્થળે પ્રેમનો છોડ પાંગરી શકે છે, બસ જમીન ફળદ્રુપ હોવી જોઈએ.
પરંતુ જેને ભારતીય સમાજ જલ્દી ન સ્વીકારી શકે એવા ઘણા પ્રેમ સબંધો બહારની દુનિયામાં પણ જોવા મળે છે. દા.ત.એક શિક્ષિકાને એના કરતા પંદર વર્ષ નાના વિધ્યાર્થી સાથે પ્રેમ થઈ જતા એની જોડે નાસી જાય છે. કોલેજની કોઈ વિધાર્થીનીને એના કરતા વીસ વરસ મોટા પ્રોફેસર સાથે પ્રેમ થઈ શકે છે. મુંબઈની સિવિલ હોસ્પિટલમાં એક પુરુષ દર્દી સાથે મહિલા ડોક્ટરને પ્રેમ થઈ શકે છે. અરે સસરાને પુત્રવધુ સાથે અને સાસુને જમાઈ સાથે પ્રેમ પાંગર્યો હોય એવી શર્મનાક ઘટનાઓ પણ સમાજના દફતરે નોંધાઈ છે. વેવાઈ અને વેવાણ વચ્ચેની સૂરતની પ્રેમ કહાની જાણીતી છે. કોઈ ભગવાધારી ગુરુને પોતાની શિષ્યા સાથે પ્રેમ થઈ જવાની ઘટનાઓ તો અનેક બને છે. અરે હમણાં એક બસમાં રોજ અપડાઉન કરતી એક પરણિત શિક્ષિકાને કંડકટર સાથે લાગણીના અંકુર ફૂટી નીકળતા બન્ને નાસી ગયા તો પછી મહિલા જેલર અને કેદી વચ્ચે પ્રેમ પાંગરવો એ તો સાવ એટલે સાવ સહજ ઘટના છે.
જો મિત્રો જેલર તરીકે એક વાતની જવાબદારી પૂર્વક સ્પષ્ટતા કરું કે રાજ્યની જેલોમાં પુરુષ અને મહિલા વિભાગ બિલકુલ અલગ હોય છે. બહારની દુનિયા કરતા પણ જેલમાં મહિલા વધુ સલામત હોય છે.જેલર કે સુપ્રિ.કે કોઈ જજીસ પણ મહિલા સ્ટાફ સાથે રાખ્યા વિના મહિલા વિભાગમાં એકલા પ્રવેશી શકતા નથી. અરે પતિ પત્ની બન્ને કદાચ જેલમાં હોય તો વિકમાં એક મુલાકાત મળી શકે પણ મહિલા સ્ટાફની હાજરીમાં ત્રણ ફૂટના અંતરથી મળવું પડે છે. પણ છતાં કોર્ટમાં મુદતે સાથે આવતા જતા કે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે સાથે જતા આવતા કે કોઈ ઓફિસ કામે આવતા જતા અથવા જેલના કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવતા જતા એકાદ ક્ષણ માટે દૂરથી ચાર આંખોને મળતા કોઈ રોકી શકતા નથી ફ્ક્ત દૂરથી આંખો મળ્યા બાદ બાકીનો કાર્યક્રમ પેરોલ ફર્લો ઉપર સાથે છૂટ્યા હોય ત્યારે બહાર થતો હોય છે. ફરી ફરી કહું છું કે કેદી પુરુષ હોય કે મહિલા એ પણ સજીવ છે, એક સામાજિક પ્રાણી છે, એને પણ પરિવાર હોય એનામાં પણ સંવેદના હોય વેદના હોય વિજાતીય આકર્ષણ હોય,પીડા હોય બધું જ હોય એ વ્યક્તિ કેદી તો એટલા માટે કહેવાય છે કે જિંદગીમાં એક ક્ષણિક આવેગમાં ગુસ્સામા કે નશામાં એક ભૂલ થઈ ગઈ હોય ! એક ક્ષણની સજા ભોગવવી પડે છે. બાકી એવું બધું જ એનામાં હોય જે આપણા બધામાં હોય છે. એટલે મધ્ય પ્રદેશ સતના જેલ જેવી ઘટના બને તો સોશ્યલ મીડિયાના કારણે વાયુવેગે પ્રસરે છે.એટલે સતના જેલની આ લવસ્ટોરી અત્યારે ખૂબ ચર્ચામાં છે. ફિરોઝા ખાતુન એક સહાયક જેલ અધિક્ષક છે. જ્યારે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે અભિલાષ આજીવન કેદની સજા ભોગવીને જેલમાંથી મુક્ત થયેલો ભૂતપૂર્વ કેદી છે. તે છતરપુર જિલ્લાનો રહેવાસી છે. એને હત્યા કેસમા આજીવન કેદ થઈ હતી. જે જેલમાં સજા ભોગવતો હતો ત્યાં ફિરોઝા ખાતુન જેલમાં UT વિભાગમાં ઇન્ચાર્જ હતા. જ્યાં ધર્મેન્દ્ર UT શાખામાં વિશ્વાસુ કેદી તરીકે કામ કરતો હતો. ઓફિસ કામ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હોય પછી દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં પરિણમી હોય. ધર્મેન્દ્ર 14 વર્ષ જેલમાં રહ્યા પછી સારા વર્તનને કારણે 4 વર્ષ પહેલા છૂટી ગયો હતો ધર્મેન્દ્ર શિક્ષિત અને સંસ્કારી વેપારી વર્ગનો સદ ગ્રહસ્થ હતો. જેલ મુક્ત થયા બાદ બન્ને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો હોય વાતચિત મેસેજ ફોનકોલ રૂબરૂ મુલાકાતો બધું ચાલુ રહેતા પ્રેમ સબંધ વધુ ગાઢ બન્યો હતો. જે પ્રેમ 5 મે 2026 ના રોજ લગ્નબંધનમાં પરિણમ્યો છે. તો આવી ઘટનાઓ તો દેશની ઘણી જેલોમાં બનતી હોય છે. ગુજરાત જેલ સ્ટાફના મહિલા કર્મચારી અને પુરુષ કર્મચારીઓ વચ્ચે તો પ્રેમ લગ્ન થવા એ તો સ્વીકાર્ય છે પણ ગુજરાત જેલોમાં પણ મારી ફરજો દરમ્યાન લગભગ પાંચ જેટલા પુરુષ કેદી અને મહિલા કેદી વચ્ચે પ્રેમ સબંધોની ઘટના બની છે. સતના જેલ જેવી જ ઘટના ગુજરાતની જેલમાં પણ બની છે એક મહિલા કર્મચારીએ જેલ મુક્ત થયેલ કેદી સાથે લવમેરેજ કર્યા છે. આજે પણ બન્ને જેલના સરકારી ક્વાર્ટરમાં સાથે રહે છે. એક સ્માર્ટ મહિલા કેદી સાથે એક પુરુષ અધિકારીએ પણ લવ મેરેજ કર્યા છે. જો કે એ મહિલા કદાચ હજી જેલમાં છે અને કર્મચારીને ડિસમિસ કરવામાં આવેલ છે. પણ પ્રેમ સબંધોની આવી ઘટનાઓ જેમ બહારની દુનિયામાં રોજ બરોજ બને તો જેલમાં પણ ક્યારેક બને છે. પણ જેલની શિસ્ત અને સલામતીને આંચ ન આવે એ રીતે માત્ર પ્રેમનું બીજ જેલમાં રોપાય છે, છોડ બહાર જઈને પાંગરે છે, જેલ મુક્ત થયા પછી વટવૃક્ષ બને છે. પણ આવી ઘટનાઓ ઓફ ધ રેકર્ડ બનતી હોય છે ખરી આ બાબતને હળવી લેવી.



