ચોટીલાનાં મહિલા ખેડૂત રંજનબેન ગાબુએ ‘ઝેરમુક્ત ગુજરાત’ના સંકલ્પને આપ્યો નવો વેગ
ગ્રીન કમાન્ડો ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીનો સરાહનીય પ્રયાસ: ભેટસૂડા ગામનાં પ્રગતિશીલ મહિલા ખેડૂતની સખત મહેનત અને સમર્પણને બિરદાવ્યાં

તા.29/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ગ્રીન કમાન્ડો ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીનો સરાહનીય પ્રયાસ: ભેટસૂડા ગામનાં પ્રગતિશીલ મહિલા ખેડૂતની સખત મહેનત અને સમર્પણને બિરદાવ્યાં, ધરતી માતાને રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના અભિશાપમાંથી મુક્ત કરવા તેમજ આવનારી પેઢીને શુદ્ધ, સાત્વિક આહાર પૂરો પાડવા માટે ગુજરાત આજે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે દેશભરમાં નેતૃત્વ કરી રહ્યું છે ગુજરાત રાજ્યને સંપૂર્ણપણે રસાયણમુક્ત અને સ્વાયત્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત “ઝેરમુક્ત ગુજરાત” સંકલ્પ આજે જન-આંદોલન બની ચૂક્યો છે આ ભગીરથ કાર્યમાં પુરુષોની સાથે ખભેખભા મિલાવીને ગ્રામીણ વિસ્તારોની મહિલા શક્તિ પણ મોખરે રહીને નેતૃત્વ પૂરું પાડી રહી છે જેનું ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ભેટસૂડા ગામે પૂરું પાડ્યું છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કે જેઓ પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી અને પ્રેરણાસ્ત્રોત છે તેમના અવિરત માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ દિશા-નિર્દેશો અનુસાર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે રાજ્ય સરકારની આ કૃષિ ક્રાંતિની નીતિઓને ચોટીલાના ભેટસૂડા ગામનાં પ્રગતિશીલ મહિલા ખેડૂત શ્રીમતી રંજનબેન સુરેશભાઈ ગાબુએ ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. પ્રાકૃતિક પાક સંરક્ષણમાં તેમની ઉત્કૃષ્ટ અને અનુકરણીય કામગીરી બદલ તાજેતરમાં જ ગ્રીન કમાન્ડો ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા તેમને સન્માનપત્ર એનાયત કરી ગૌરવવંતું બહુમાન કરવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણ માટે અત્યંત અસરકારક અને રામબાણ ગણાતા ‘દશપર્ણી અર્ક’ના ઉત્પાદન તેમજ તેની સાથે સંકળાયેલી વિવિધ ઉપયોગી વનસ્પતિઓના એકત્રીકરણના કાર્યમાં રંજનબેને પ્રશંસનીય યોગદાન આપ્યું છે. રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના વિકલ્પ તરીકે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડવા તેમજ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાના તેમના આ પ્રયાસોને ગ્રીન કમાન્ડો સંસ્થાના જે. ડી. પટેલ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. રંજનબેનનો આ જુસ્સો અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાનો દીવો બનશે તેવી આશા વ્યક્ત કરાઈ છે આ કુદરતી સંસાધનોના સદુપયોગના આ ભગીરથ યજ્ઞમાં રંજનબેનનો પરિવાર પણ ઉત્સાહભેર જોડાયો છે, જેમાં બાળકો પણ વૃક્ષો પર ચડીને ફૂલો એકત્ર કરવામાં મદદરૂપ બને છે પ્રગતિશીલ મહિલા ખેડૂત રંજનબેને જણાવ્યું હતું કે, તેઓને પ્રાકૃતિક ખેતી કરવામાં ખૂબ જ રસ છે. જ્યારે તેઓ તાલીમ અને મીટિંગોમાં જાય છે, ત્યારે ત્યાંથી કંઈક ને કંઈક નવી વાતો શીખીને આવે છે અને તે વાતો પોતાના ખેતરમાં અપનાવે છે. તેઓએ પોતાના પતિને પણ સમજાવીને તેમના ખેતરમાં પ્રાકૃતિક પદ્ધતિ શરૂ કરાવી છે અને હવે તેમના પતિ પણ આ કાર્યમાં તેમની સાથે જોડાયા છે રંજનબેને ઘરઆંગણે શુદ્ધ શાકભાજી મેળવવા માટે ‘કિચન ગાર્ડન’ને એક ઉત્તમ માધ્યમ ગણાવ્યું છે અને ચાલુ વર્ષે પોતાના ગામની અન્ય ૨૦ થી ૩૦ બહેનોને પ્રેરણા આપીને તેમના ઘરે પણ પ્રાકૃતિક કિચન ગાર્ડન તૈયાર કરાવવાનો મક્કમ સંકલ્પ કર્યો છે ચોટીલા પંથકમાં કુદરતી રીતે વિપુલ પ્રમાણમાં થતા કેસુડાનાં વૃક્ષો રંજનબેન માટે આશીર્વાદરૂપ સાબિત થયાં છે પ્રાકૃતિક દશપર્ણી અર્ક માટે કેસુડાનાં ફૂલો ખૂબ ઉપયોગી હોવાથી, તેમણે અને તેમનાં નણંદબાએ સેવાના ભાવથી આ ફૂલો એકત્ર કરવાનું શરૂ કર્યું છે. લીલાં ફૂલો લાંબો સમય રાખવાં શક્ય ન હોવાથી, તેઓ આ ફૂલોને વ્યવસ્થિત રીતે સૂકવીને ગ્રીન કમાન્ડોની ટીમને પહોંચાડી રહ્યાં છે હાલમાં પણ તેમની પાસે ૧૦ કિલો જેટલો સૂકવેલા કેસુડાનાં ફૂલોનો જથ્થો તૈયાર છે જે આગામી સમયમાં સંસ્થાને સુપરત કરવામાં આવશે રંજનબેને વધુમાં ઉમેર્યું કે, શરૂઆતમાં મીટિંગોમાં બહેનોની સંખ્યા ઓછી જોવા મળતી હતી, પરંતુ બહેનો જ ઘરની રસોઈ અને શાકભાજીની જરૂરિયાતો સારી રીતે સમજતી હોવાથી પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓની ભૂમિકા ખૂબ મહત્વની છે. આ કામગીરીમાં તેમના પરિવારનો પણ પૂરો સપોર્ટ મળ્યો છે આ માટે રંજનબેને સરકાર અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ પટેલ તેમજ અન્ય અધિકારીઓનો પણ આભાર માન્યો હતો. સંસ્થા દ્વારા તેમને ‘કૃષિ સખી’ તરીકે જોડીને આર્થિક રીતે પગભર થવામાં અને અન્ય બહેનોને મદદરૂપ બનવામાં જે સહયોગ મળ્યો છે, તેનાથી તેમનો આત્મવિશ્વાસ બેવડાયો છે રાજ્ય સરકારના પ્રોત્સાહન અને રંજનબેન જેવા ખંતિલા મહિલા ખેડૂતોના સનિષ્ઠ પ્રયાસો એ વાતની સાબિતી છે કે જ્યારે નારીશક્તિ સંકલ્પબદ્ધ બને છે, ત્યારે પરિવર્તન અનિવાર્ય બને છે. રંજનબેનની આ મહેનત અને સમર્પણ આગામી સમયમાં ગુજરાતના કૃષિ ક્ષેત્રને એક નવી, તંદુરસ્ત અને સમૃદ્ધ દિશા આપશે તેમજ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના “ઝેરમુક્ત અને રસાયણમુક્ત તંદુરસ્ત ગુજરાત”ના વિઝનને સાકાર કરવામાં એક મજભૂત કડી સાબિત થશે.




