NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી બનશે ‘ગ્રીન સિટી’: ૨.૫ લાખ વૃક્ષોના મહાઅભિયાન માટે કમિશનર જયેશ ઉપાધ્યાય મેદાને

વાત્સલયમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી, ૩૦ મે: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને માત્ર ઔપચારિકતા સુધી મર્યાદિત ન રાખતા નવસારી મહાનગરપાલિકાએ શહેરને હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવાના દિશામાં એક ઐતિહાસિક પહેલ હાથ ધરી છે. સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી ૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરમાં અંદાજે ૨.૫ લાખ જેટલા વૃક્ષોના વાવેતરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્ત્વાકાંક્ષી અભિયાનને સફળ બનાવવા માટે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર IAS જયેશ ઉપાધ્યાયે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ વૃક્ષારોપણ માટે યોગ્ય સ્થળોનું જમીની નિરીક્ષણ કર્યું હતું.

કમિશનરશ્રી સાથે ગાર્ડન એન્ડ લેન્ડસ્કેપ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. તેમણે ધારાગીરી ખાતે વિકસાવવામાં આવી રહેલા મિયાંવાકી ફોરેસ્ટની મુલાકાત લઈ ત્યાં વૃક્ષોના વિકાસની સ્થિતિની સમીક્ષા કરી હતી. ઉપરાંત શહેરમાં નિર્માણાધીન ફૂટપાથો, વિવિધ બગીચાઓ, લેન્ડસ્કેપ વિસ્તાર, રોડની બાજુની ખુલ્લી જગ્યાઓ તેમજ અન્ય સંભવિત સ્થળોનું નિરીક્ષણ કરીને વૃક્ષારોપણ માટેની સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

નિરીક્ષણ દરમિયાન કમિશનરશ્રીએ અધિકારીઓ સાથે સ્થળવાર આયોજન, યોગ્ય વૃક્ષ પ્રજાતિઓની પસંદગી, રોપણની પદ્ધતિ તેમજ વૃક્ષોની જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી ચોમાસાની ઋતુ દરમિયાન વૃક્ષોને અનુકૂળ વાતાવરણ મળી રહે અને વાવેલા રોપાઓનો વિકાસ સુનિશ્ચિત થઈ શકે તે માટે સમયબદ્ધ આયોજન પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત શહેરની અંદર આવેલી ગૌચરની જમીનો તેમજ વિવિધ ખાલી પ્લોટોની મુલાકાત લઈ જમીનની ગુણવત્તા અને ઉપલબ્ધતાની ચકાસણી કરવામાં આવી હતી. દરેક સ્થળની જરૂરિયાત અને પર્યાવરણીય પરિસ્થિતિને અનુરૂપ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તે માટે જરૂરી તકનીકી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

નવસારી મહાનગરપાલિકાના આ વિશાળ વૃક્ષારોપણ અભિયાનથી શહેરમાં હરિયાળીનો વ્યાપ વધશે, પ્રદૂષણમાં ઘટાડો થશે અને પર્યાવરણને અનુકૂળ નવા ઇકોસિસ્ટમનું નિર્માણ થશે. શહેરને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે હાથ ધરાયેલા આ પ્રયાસને નવસારીના વિકાસના નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરના નાગરિકો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ હિતધારકોને આ હરિત અભિયાનમાં સક્રિય સહભાગી બની નવસારીને ‘ગ્રીન સિટી’ બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે સહયોગ આપવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!