કાલોલના મેદાપુરમાં રાતના અંધારામાં ગૌચર જમીન ખોદકામનો આક્ષેપ,ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા સરપંચની મામલતદારને રજૂઆત.

તારીખ ૦૧/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મેદાપુર ગ્રામ પંચાયતના નમ્રરા ફળિયામાં આવેલ સર્વે નં. 453ની ગૌચર જમીનમાં ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ અંગે મેદાપુર ગ્રામ પંચાયતના સરપંચ અતુલભાઈએ કાલોલ મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ ગૌચર જમીનમાં રોયલટીની આડમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સતત ખોદકામ ચાલી રહ્યું છે. ખાસ કરીને રાત્રી દરમિયાન ભારે મશીનોની મદદથી આશરે 20 ફૂટ જેટલી ઊંડાઈ સુધી માટી ખોદી કાઢવામાં આવી હોવાનું જણાવાયું છે.સરપંચ અતુલભાઈએ રજૂઆતમાં જણાવ્યું છે કે ગૌચર જમીન પશુઓના ચરિયાણ માટે અનામત હોય છે, તેમ છતાં કેટલાક તત્વો દ્વારા નિયમોનો ભંગ કરી જમીનનું નુકસાન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે સરકારી સંપત્તિને નુકસાન થવાની સાથે ગ્રામજનોમાં પણ રોષની લાગણી વ્યાપી છે.તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી ગેરકાયદેસર ખોદકામમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા, ખોદકામ તાત્કાલિક બંધ કરાવવા તેમજ ગૌચર જમીનને પૂર્વવત્ સ્થિતિમાં લાવવા જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે.આ મામલે હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિક ગ્રામજનોની નજર મંડાયેલી છે.







