
વિજાપુર રણાસણ પાસે ટ્રકની ટક્કરે મધ્યપ્રદેશના યુવકનું મોત
આશ્રમ ચોકડી નજીક અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર, પોલીસે ગુનો નોંધ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રણાસણ ગામની સીમમાં આવેલ આશ્રમ ચોકડી પાસે ગઇ રવિવારે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં મધ્યપ્રદેશના 21 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી યુવકને ટક્કર મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના સંજય કોલોની વિસ્તારમાં રહેતા પ્રિયાંશુ અશોક રજક (ઉ.વ.21) છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં રોજગારી અર્થે આવી મહેસાણા જિલ્લામાં પરોઠા બનાવવાની ફેક્ટરીમાં કામ કરતો હતો. રવિવારે રાત્રે આશરે 8:45 વાગ્યે તે પોતાના મિત્ર કુણાલ શર્મા સાથે વિજાપુર-ગાંધીનગર હાઇવે પર આશ્રમ ચોકડી પાસે ઊભો હતો.
તે દરમિયાન ટ્રક નં. GJ-18-BW-2105નો ચાલક ટ્રકને પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહ્યો હતો. ટ્રકની બાજુમાં ઊભેલા પ્રિયાંશુને અચાનક ટક્કર વાગતા તે નીચે પટકાયો હતો. અકસ્માત દરમિયાન ટ્રકનું ટાયર તેના માથા પરથી ફરી વળતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો મધ્યપ્રદેશથી વિજાપુર આવી પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
મૃતકના ભાઈ રાહુલ અશોક રજકે આપેલી ફરિયાદના આધારે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો


