THARADVAV-THARAD

વાવાઝોડાનો કહેર : મોરીખા સ્થિત 100 મેગાવોટના સોલાર પ્લાન્ટમાં 7000થી વધુ પેનલો તૂટી, લાખોનું નુકસાન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ, પ્રતિનિધિ : બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે આવેલા ચક્રવાતી વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. ખાસ કરીને મોરીખા ગામે સ્થિત બ્લુપાઈન એનર્જી કંપનીના 100 મેગાવોટ ક્ષમતાવાળા સોલાર પ્લાન્ટને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રચંડ પવનના કારણે પ્લાન્ટમાં લગાવવામાં આવેલી 7000થી વધુ સોલાર પેનલો તૂટી જતાં કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયાનું પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

 

માહિતી મુજબ વાવાઝોડાની ગતિ એટલી તીવ્ર હતી કે અનેક સોલાર મોડ્યુલો પોતાના સ્ટ્રક્ચર પરથી ઉખડીને પ્લાન્ટ વિસ્તારમાં દૂર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. ઘટનાના પગલે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં નુકસાનના દ્રશ્યો સર્જાયા હતા અને ટેકનિકલ સ્ટ્રક્ચર પણ અસરગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

ઘટનાની જાણ થતાં કંપનીના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને નુકસાનનું મૂલ્યાંકન શરૂ કર્યું હતું. કંપનીના પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સાથે જ સોલાર ઊર્જા ઉત્પાદન પર પણ સીધી અસર પડી હોવાનું જાણવા મળ્યું છે.

 

સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ કંપની દ્વારા નુકસાનગ્રસ્ત પેનલોને દૂર કરવાની તેમજ પ્લાન્ટને ફરી કાર્યરત બનાવવા માટે પુનઃસ્થાપન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

 

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોમાં આટલી તીવ્રતા ધરાવતું વાવાઝોડું જોવા મળ્યું નહોતું. ઘટનાએ સમગ્ર પંથકમાં ચિંતા અને ચર્ચાનો માહોલ ઉભો

કર્યો છે.

 

Back to top button
error: Content is protected !!