HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD હળવદના જુના વેગડવાવ ગામે જૂની અદાવતમાં યુવક પર દંપતીનો ધારીયા વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી

 

HALVAD હળવદના જુના વેગડવાવ ગામે જૂની અદાવતમાં યુવક પર દંપતીનો ધારીયા વડે હુમલો: જાનથી મારી નાખવાની ધમકી

 

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે જમીન બાબતની જૂની કોર્ટ કાર્યવાહી અને જામીન કરાવવાની અદાવત રાખીને એક યુવક પર રસ્તામાં દંપતી દ્વારા ધારીયા વડે હુમલો કરી, ઢીંકાપાટુનો માર મારવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, જુના વેગડવાવ ગામે રહેતા અને ખેતીકામ કરતા કલ્પેશભાઈ ઉર્ફે ભાણો જેરામભાઈ નગવાડીયા (ઉં.વ. ૩૧, જ્ઞાતિ: કોળી) એ અગાઉ આરોપીના કુટુંબી ભાઈઓને કોર્ટ કાર્યવાહીમાં જામીન કરાવ્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓ અવારનવાર અદાવત રાખતા હતા.

ગઈકાલે જ્યારે કલ્પેશભાઈ આરોપીની વાડી નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપી ભરતભાઈ ઉર્ફે સીસો ચતુરભાઈ સુરેલા અને તેમના પત્ની હંસાબેન ભરતભાઈ સુરેલાએ તેમને રસ્તામાં રોક્યા હતા.

વાત આટલેથી ન અટકતા, આરોપી ભરતભાઈએ પોતાના હાથમાં રહેલું ધારીયું લઈને કલ્પેશભાઈ પર હુમલો કરી દીધો હતો અને પીઠના ભાગે મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ ઝપાઝપી દરમિયાન આરોપીએ કલ્પેશભાઈના જમણા હાથની આંગળી પર બટકું ભરીને પણ ઈજા પહોંચાડી હતી. જ્યારે તેના પત્ની હંસાબેન સુરેલાએ ફરિયાદીને ઢીંકાપાટુનો આડેધડ માર માર્યો હતો.

 

હુમલો કર્યા બાદ દંપતીએ ફરિયાદી યુવકને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી અને ‘જો હવે અહીંથી નીકળ્યો છે તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા.આ હુમલા અંગે કલ્પેશભાઈ નગવાડીયાએ હળવદ પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપી દંપતીને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!