MORBI:મોરબીમાં પ્રી-મોન્સૂન એક્શન: મચ્છુ નદીના પટમાંથી ઝૂંપડા હટાવાયા :પૂરતી જ કામગીરી કરીને તંત્ર સંતોષ માની લેશે.?







MORBI:મોરબીમાં પ્રી-મોન્સૂન એક્શન: મચ્છુ નદીના પટમાંથી ઝૂંપડા હટાવાયા :પૂરતી જ કામગીરી કરીને તંત્ર સંતોષ માની લેશે.?


ચોમાસાની ઋતુ હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવા જઈ રહી છે, ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત આજે વહેલી સવારથી જ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદીના પટમાં ભવિષ્યમાં પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં આવેલા ઝૂંપડાઓ હટાવવાનું મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવાયેલા આ ઝૂંપડાઓ બાબતે અગાઉ તંત્રને લેખિત રજૂઆતો અને ફરિયાદો મળી હતી. જેના અનુસંધાને ચોમાસા પૂર્વે નદીનો પટ ખાલી કરાવવાના ભાગરૂપે આજે પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. હાલ નદીના પટમાંથી ઝૂંપડાઓનું દબાણ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
આ કામગીરી વચ્ચે સ્થાનિક લોકમુખે અનેક સવાલો પણ ચર્ચાવા લાગ્યા છે. નદીના પટમાંથી ઝૂંપડા હટાવવા પૂરતી જ કામગીરી કરીને તંત્ર સંતોષ માની લેશે કે પછી વાસ્તવિક જોખમ દૂર કરશે?
હાલમાં મચ્છુ નદીના પટમાં અનેક જગ્યાએ પાણીનો કુદરતી પ્રવાહ અવરોધાય તે રીતે:કોમર્શિયલ બાંધકામનો આડેધડ નાખવામાં આવેલો કાળમાટ (ભંગાર-કચરો) નદીના વહેણને રોકી રહ્યો છે. મોરબીના નાગરિકોમાં તીવ્ર માંગ ઉઠી રહી છે કે, તંત્ર માત્ર ગરીબોના ઝૂંપડા હટાવીને સંતોષ ન માને, પરંતુ નદીના પ્રવાહને નુકસાન પહોંચાડતા મોટા માથાઓના કાચા-પાકા બાંધકામો અને આડેધડ ઠાલવવામાં આવેલો કાળમાટ પણ સત્વરે દૂર કરે, જેથી ચોમાસામાં મોરબી પર પૂરનું કોઈ સંકટ ન તોળાય.
મોરબીવાસીઓ સારી રીતે વાકેફ છે. એવામાં નદીનો પટ સાંકડો થવાને કારણે પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો થશે, જે લાખો લોકોના જીવ અને માલસામાન પર મોટું જોખમ ઊભું કરી શકે છે.આ મામલે સ્થાનિક જનતામાં વહીવટી તંત્રની કામગીરી સામે પણ તીખા સવાલો ઉઠી રહ્યા છે. લોકોનું કહેવું છે કે:તંત્ર દ્વારા સામાન્ય કે નાના માણસોના સામાન્ય દબાણો સામે તાત્કાલિક કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.પરંતુ, આટલા મોટા પાયે નદીના પટમાં થઈ રહેલા કથિત દબાણ અને પૂરાણ સામે તંત્ર કેમ મૌન સેવીને બેઠું છે? શું મોટા માથાઓ કે સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે?

હવે જોવાનું એ રહે છે કે મહાનગરપાલિકા આ લોક માંગને ગંભીરતાથી લઈને આગળની કડક કાર્યવાહી કરે છે કે પછી પ્રી-મોન્સૂનની આ કામગીરી માત્ર ‘ઝૂંપડા હટાવવા’ પૂરતી જ સીમિત રહી જાય છે!


