નવસારી કલેક્ટરના નિર્દેશથી 9 રેશનિંગ દુકાનોમાં આકસ્મિક તપાસ, હજારો કિલો અનાજના જથ્થામાં ગેરરીતિઓ ઝડપાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી, તા. 3 જૂન: નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન અને સૂચના અનુસાર જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે જિલ્લા પુરવઠા વિભાગે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલી વાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાની કુલ 9 ટીમો દ્વારા આંતર તાલુકા તપાસ અભિયાન ચલાવી 9 વાજબી ભાવની દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અનેક દુકાનોમાં અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓના જથ્થામાં ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. ચીખલી તાલુકાના ઘોડવણી ગામની દુકાનમાં ઘઉં 1300 કિલો, ચોખા 489 કિલો અને ચણા 78 કિલો ઓછા મળ્યા હતા. જ્યારે નવસારી શહેરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલી દુકાનમાં ઘઉં 2821 કિલો, ચોખા 3035 કિલો, ખાંડ 188.165 કિલો અને તુવેર દાળ 59 કિલો ઘટ જોવા મળી હતી. ઉપરાંત મીઠું 844 કિલો અને ચણા 171 કિલો વધ મળતા અનિયમિતતાની શંકા વધુ ઘેરી બની છે.
વાંસદા તાલુકાના સીતાપુર ગામની દુકાનમાં ઘઉં 478 કિલો અને ચોખા 225 કિલો ઓછા મળ્યા હતા, જ્યારે ખેરગામ તાલુકાના કાકડવેરી ગામની દુકાનમાં ઘઉં 25 કિલો અને ચોખા 43 કિલોની ઘટ નોંધાઈ હતી.
તપાસ દરમિયાન અન્ય કેટલાક તાલુકાઓની વાજબી ભાવની દુકાનોમાં પણ નિયમ મુજબ જાળવવાની તકેદારીઓ અને રેકોર્ડ વ્યવસ્થામાં ખામીઓ જોવા મળી હતી. જિલ્લા પુરવઠા વિભાગે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ સંબંધિત દુકાન સંચાલકોને કારણદર્શક નોટિસો ફટકારી છે. સંતોષકારક જવાબ ન મળ્યે નિયમો અનુસાર દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે જાહેર વિતરણ પ્રણાલીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અનિયમિતતા સહન કરવામાં આવશે નહીં અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનો યોગ્ય રીતે પહોંચે તે માટે આવી તપાસો સતત ચાલુ રાખવામાં આવશે.


