NAVSARINAVSARI CITY / TALUKO

ચોમાસા પહેલાં નવસારી મહાનગરપાલિકાની કડક કાર્યવાહી: 100 જેટલી જોખમી ઇમારતોને નોટિસ ફટકારી

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી, તા. 03 જૂન: આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકાએ શહેરમાં આવેલી જોખમી અને જર્જરિત ઇમારતો સામે કડક વલણ અપનાવ્યું છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરભરમાં સર્વે હાથ ધરી અંદાજે 100 જેટલી જોખમી ઇમારતોના માલિકો અને કબજેદારોને નોટિસો ફટકારવામાં આવી છે.

ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પવનના કારણે જર્જરિત મકાનો, એપાર્ટમેન્ટો અને વ્યાવસાયિક સંકુલો ધરાશાયી થવાની સંભાવના રહેતી હોય છે. આવા સંજોગોમાં જાનહાનિ અને મિલકતના નુકસાનને અટકાવવા માટે મનપાએ પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે આ અભિયાન શરૂ કર્યું છે.

મનપા દ્વારા જાહેર કરાયેલી યાદીમાં શહેરના વિવિધ રહેણાંક સોસાયટીઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, એપાર્ટમેન્ટો, શૈક્ષણિક સંસ્થાઓ અને જૂની ઇમારતોનો સમાવેશ થાય છે. આ તમામ મિલકતધારકોને ઇમારતોની તાત્કાલિક મરામત, મજબૂતીકરણ અથવા જરૂરી સુરક્ષા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો નોટિસ મળ્યા બાદ પણ મિલકતધારકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જીપીએમસી એક્ટની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જરૂર જણાય ત્યાં જોખમી ભાગો તોડી પાડવાની કાર્યવાહી પણ કરવામાં આવશે અને તેનો ખર્ચ સંબંધિત માલિકો પાસેથી વસૂલ કરવામાં આવશે.

મનપાના અધિકારીઓએ નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ ચોમાસા દરમિયાન જર્જરિત અને જોખમી ઇમારતોની આસપાસ અવરજવર કરતી વખતે વિશેષ સાવચેતી રાખે તેમજ કોઈપણ જોખમજનક સ્થિતિ નજરે પડે તો તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ કરે.

આ પહેલ દ્વારા નવસારી મહાનગરપાલિકા શહેરમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચોમાસા દરમિયાન સંભવિત દુર્ઘટનાઓને અટકાવવા માટે સક્રિય પગલાં ભરી રહી છે.

Back to top button
error: Content is protected !!