
વિજાપુર મલાવ ગામમાં મહાકાય વડનું ઝાડ ધરાશાયી થતાં મહિલા મોતને ભેટી
ઝાડ નીચે ત્રણ મહિલાઓ દબાતાં ભારે દોડધામ, ફાયર બ્રિગેડે બે મહિલાઓને આબાદ બચાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મલાવ ગામમાં બુધવારે રાત્રે 10 ,30 કલાકે સર્જાયેલી કરુણ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી જન્મી હતી.મલાવ ગામમાં આવેલા મંદિરેથી ભજન કાર્યક્રમ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલી મહિલાઓ પર અચાનક મહાકાય વડનું ઝાડ ધરાશાયી થતાં એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બે મહિલાઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારે રાત્રે આશરે 10:30 વાગ્યાના સમયે ચારથી પાંચ મહિલાઓ મંદિરેથી ભજન ગાઈને પોતાના ઘરે જઈ રહી હતી. તે દરમિયાન સામાન્ય પવન ફૂંકાતા ગામમાં આવેલું વર્ષો જૂનું વિશાળ વડનું ઝાડ અચાનક ધરાશાયી થયું હતું. ઝાડ પડતાં ત્રણ મહિલાઓ તેની નીચે દબાઈ જતાં ઘટનાસ્થળે અફરાતફરી અને ભારે દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. સાથે જ વિજાપુર અને મહેસાણાથી ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ કટર, દોરડા અને અન્ય સાધનોની મદદથી ઝાડની ડાળીઓ કાપીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ દુર્ઘટનામાં 65 વર્ષીય લીલાબેન મહેશભાઈ પટેલ ઝાડ નીચે ગંભીર રીતે દબાઈ જતાં તેમના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભારે જહેમત બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેમનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. જ્યારે ભીખીબેન સેનમા અને વીણાબેન સેનમાને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવતા તેમના પરિવારજનો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઘટનાને પગલે સમગ્ર મલાવ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. એક ધાર્મિક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહેલી મહિલાઓ પર આવી કરુણ દુર્ઘટના સર્જાતા ગ્રામજનોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. ફાયર બ્રિગેડ, સ્થાનિક લોકો અને તંત્રની ત્વરિત કામગીરીને કારણે બે મહિલાઓનો આબાદ બચાવ થયો હતો.તાલુકા ના ઘણા ગ્રામ્ય વિસ્તારો માં ગામ વચ્ચે મોટા વડ અને વૃક્ષ હોય છે. અને લોકો પણ રાત્રી ના ભોજન બાદ આવા કેટલાક ઝાડ નીચે બેસવા જતા હોય છે ત્યારે આવા ગ્રામ્ય વિસ્તારો ના જુના થયેલા ઝાડો ની ગણતરી કરી ક્ષતિઓ વાળા ઝાડ કોઈ ને નુકશાન પોહચાડે પહેલા દૂર કરવા પ્રયાસ કરવો જરૂરી બન્યો છે.



