ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ: પુરવઠા ગોડાઉનમાં ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં લોલમલોલ, ખેડૂતો રોષે ભરાયા*

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

*મેઘરજ: પુરવઠા ગોડાઉનમાં ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં લોલમલોલ, ખેડૂતો રોષે ભરાયા*

*ટ્રેક્ટર દીઠ ૫૦૦ રૂપિયા ઉઘરાવતા હોવાનો આક્ષેપ, મામલતદારની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો*

મેઘરજમાં પુરવઠા વિભાગના ગોડાઉન ખાતે ટેકાના ભાવે ચાલતી ઘઉંની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ ચાલતી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ખેડૂતો પાસેથી ટ્રેક્ટર દીઠ રૂ. ૫૦૦ ઉઘરાવવામાં આવતા હોવાની તેમજ તોલમાપમાં છેડછાડ થતી હોવાની ફરિયાદ ઉઠતાં ખેડૂતો વિફર્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ ગોડાઉન પર ઘઉં તોલાયા બાદ મજૂરો દ્વારા ખેડૂત પાસેથી બળજબરીપૂર્વક નાણાં વસૂલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તોલમાં પણ ગેરરીતિ આચરવામાં આવી રહી છે. એક ક્વિન્ટલના બદલે ૫૦.૯૦૦ કિલો તોલ થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ તાત્કાલિક મામલતદારને જાણ કરી ગોડાઉન ખાતે બોલાવ્યા હતા. મામલતદાર સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતોની રજૂઆત સાંભળી હતી. મામલતદારે ગોડાઉન મેનેજરને સ્પષ્ટ સૂચના આપી હતી કે સરકાર દ્વારા નક્કી કરાયેલ વજન મુજબ જ ઘઉંની ખરીદી કરવી. સાથે જ કોઈપણ પ્રકારના વધારાના નાણાં ખેડૂતો પાસેથી ન લેવા તાકીદ કરી હતી. મામલતદારે ખેડૂતો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો મેનેજરને આપતાં આખરે મામલો થાળે પડ્યો હતો. આ ઘટના બાદ ખેડૂતોએ માંગ કરી છે કે ખરીદ કેન્દ્ર પર પારદર્શિતા રાખવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં ખેડૂતોને હાલાકી ન ભોગવવી પડે.

 

 

 

Back to top button
error: Content is protected !!