NAVSARIVANSADA

નવસારી જિલ્લાનું ગૌરવ: વાંસદાની આદિવાસી યુવતી સારા બેન ગાયને રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

વાંસદા, નવસારી: નવસારી જિલ્લાના વાંસદા હોમગાર્ડ્સ યુનિટની આદિવાસી યુવતી સારાબેન ગાયને રાજ્યકક્ષાની મહિલા હોમગાર્ડ્સ તાલીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી નવસારી જિલ્લાનું તેમજ આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.

અમદાવાદ જિલ્લાના માધવનગર ખાતે આવેલા પ્રાદેશિક હોમગાર્ડ્સ તાલીમ કેન્દ્ર દ્વારા તા. 23 એપ્રિલથી 3 મે 2025 દરમિયાન આયોજિત રાજ્યકક્ષા મહિલા બેઝિક તાલીમ કેમ્પમાં રાજ્યના 29 જિલ્લાઓમાંથી આશરે 120 જેટલી મહિલા હોમગાર્ડ્સ જવાનો ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન વિવિધ શારીરિક, શિસ્તબદ્ધ અને વ્યવહારિક કૌશલ્યોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં નવસારી જિલ્લાના વાંસદા હોમગાર્ડ્સ યુનિટની સારાબેન ગાયને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તાલીમ કેન્દ્ર દ્વારા તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સારાબેનની આ સિદ્ધિથી નવસારી જિલ્લા હોમગાર્ડ્સ યુનિટ, વાંસદા વિસ્તાર તેમજ સમગ્ર આદિવાસી સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે. આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ પટેલ સહિતના આગેવાનોએ સારાબેનને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર, સારાબેન ગાયનની આ સફળતા અન્ય યુવતીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે અને મહિલાઓમાં દેશસેવા તથા શિસ્તબદ્ધ સેવાકીય ક્ષેત્રે જોડાવા માટે ઉત્સાહ વધારશે.

Back to top button
error: Content is protected !!