MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી સાથે સબલપૂર ખાતે ૧૨,૦૦૦થી વધુ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું

મહીસાગર જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી સાથે સબલપૂર ખાતે ૧૨,૦૦૦થી વધુ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર

‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ લુણાવાડામાં જનભાગીદારી સાથે વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા
*

 


વૃક્ષોના ઉછેર અને જતનને સામાજિક જવાબદારી ગણાવતા જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર
*

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી વધારવાના ઉમદા હેતુથી વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણનું સંરક્ષણ કરવા, વૃક્ષોનું મહત્વ સમજાવવા અને સમગ્ર જિલ્લાને વધુ હરિયાળો બનાવવાનો રહ્યો હતો. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકભાગીદારી જોવા મળી હતી, જે મહીસાગર જિલ્લાની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

લુણાવાડા તાલુકાના સબલપૂર ગામ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર અને ઉપ પ્રમુખ હંસરાજ વસાવાની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ગામની ખુલ્લી જમીનમાં ૧૨,૦૦૦થી વધુ વૃક્ષો વાવવાનું મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન વિભાગના એ સી એફ શ્રી એ એ પટેલ, આર એફ ઑ શ્રી રોહિત પટેલ, આસપાસની ગ્રામ પંચાયતના સરપંચો, ગ્રામજનો અને વનકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌ નાગરિકો અને મહાનુભાવોએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ના લોક-આહવાનને અનુસરીને આ અભિયાનમાં જોડાવા માટે વૃક્ષારોપણનો મક્કમ સંકલ્પ લીધો હતો.

વધુમાં, લુણાવાડાના ઐતિહાસિક કાલિકા માતા ડુંગર ખાતે વિકસાવવામાં આવેલા ‘અર્બન વન કવચ’ ખાતે પણ વૃક્ષારોપણનો પ્રેરક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારની સાથે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ, લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવો દ્વારા પરંપરાગત રીતે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના સંરક્ષણનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારની નજીક વન કવચના નિર્માણથી સ્થાનિક પર્યાવરણમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા મહાનુભાવોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે વિવિધ અભિયાનો સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યા છે.“મિશન લાઇફ” અને “એક પેડ માં કે નામ” જેવા જનભાગીદારી આધારિત અભિયાનોએ સામાન્ય નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. માત્ર વૃક્ષો વાવવા પૂરતું સીમિત રહેવું જોઈએ નહીં, પરંતુ તેનું યોગ્ય જતન અને ઉછેર કરવો એ પ્રત્યેક નાગરિકની સામાજિક જવાબદારી છે. પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળું વાતાવરણ જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ સમગ્ર જિલ્લામાં વહેતો કરવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા આ સામૂહિક પ્રયાસોએ મહીસાગર જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવામાં અને ‘હરિયાળા મહીસાગર’ના નિર્માણમાં એક અત્યંત મહત્વનું કદમ ભર્યું છે.

Back to top button
error: Content is protected !!