MORBI:R.D.N.P.+ સંસ્થા અને દાતાઓના સહયોગથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ HIV ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને ‘શૈક્ષણિક કીટ’નું વિતરણ કરાયું







MORBI:R.D.N.P.+ સંસ્થા અને દાતાઓના સહયોગથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ HIV ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને ‘શૈક્ષણિક કીટ’નું વિતરણ કરાયું


બાળકોને સ્કોલરશિપ અને તબીબી સહાય જેવી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરાયા

એચ.આઈ.વી. સાથે જીવતા નાગરિકોના ઉત્થાન અને સક્ષમ વાતાવરણ પૂરું પાડવાના ઉમદા ધ્યેય સાથે કાર્યરત સંસ્થા આર.ડી.એન.પી.પ્લસ (રાજકોટ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ) દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. (ART) સેન્ટર ખાતે વિશેષ ‘શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આ કાર્યક્રમ અન્વયે મોરબી શહેર અને તાલુકાના ૫૦ જેટલા એચ.આઈ.વી. ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન અને આર્થિક મદદ મળી રહે તેવા આશયથી શૈક્ષણિક કીટ અપાઈ હતી.
આ કાર્યક્રમ દરમિયાન આર.ડી.એન.પી. પ્લસના પ્રમુખશ્રી જગદીશભાઈ પટેલે ઉપસ્થિત બાળકો અને તેમના વાલીઓને શિક્ષણ સુલભ બને તે માટે સરકારશ્રી દ્વારા અપાતી સ્કોલરશિપ યોજના તેમજ વિવિધ તબીબી સહાય અંગે વિસ્તૃત અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ આયોજન માટે મીડાસ સેનેટરીવેર-મોરબી, પેલીકન રોટોફ્લેક્સ પ્રા.લી., એચ.જે. સ્ટીલ લિમિટેડ, અજંતા સ્ટીલ કંપની, ડૉ. પમ્પ, રવિ ટેક્નો ફોર્જ, નેબુલા કંપની-મેટોડા તેમજ દાતા શ્રી ઇન્દુભાઇ વોરા, શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, શ્રી લાભુભાઈ સેમ્ભલીયા, શ્રી પ્રશાંત કાસ્ટિંગ અને શ્રી રાજેશભાઈ જાવીયા સહિતના દાતાઓ તરફથી અમૂલ્ય આર્થિક અને સાધન સહાયનો સહયોગ મળ્યો હતો.

આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર શ્રીમતી હિમશીખા પંડ્યા, ART સેન્ટરનો તમામ સ્ટાફ તેમજ સમગ્ર પ્રોજેક્ટ ટીમ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ આયોજનને સફળ બનાવવા માટે આર.ડી.એન.પી.પ્લસના સભ્યો અને સ્ટાફ મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.


