
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
વિદ્યાર્થીઓ જવાબદાર નાગરિક બની ભારતના વિકાસમાં સશક્ત ભૂમિકા ભજવે : રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા.
અંજાર,તા-૦૬ જૂન : અંજારની શ્રી શેઠ ડી.વી સરકારી હાઇસ્કૂલ ખાતે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેડિકલ કીટ વિતરણ તેમજ શહેરના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, ક્રાંતિ ગણ્યા ગાંઠિયા લોકો જ કરતા હોય છે, ત્યારે અંજારના આ તેજસ્વી તારલા ક્રાંતિ સર્જીને ઉજ્જવળ ભારતના ભવિષ્યમાં સહભાગી બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અંજાર તાલુકાને ત્રણ નવી કોલેજ મળી છે જેના થકી વિદ્યાર્થીઓની શિક્ષણની ભૂખ સંતોષાશે. તેમણે આ પ્રસંગે ટ્રસ્ટને તેમજ દાતાશ્રીઓને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાના પ્રેરણાદાયી કાર્યક્રમ માટે અભિનંદન આપતા વિદ્યાર્થીઓ સમક્ષ ભવિષ્યમાં જવાબદાર નાગરિક બની ભારતના વિકાસમાં સશક્ત ભૂમિકા ભજવવા અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨માં એ – વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જરૂરિયાતમંદોને મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તેજસ્વી વિદ્યાર્થી સન્માન પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ઉપપ્રમુખશ્રી પરેશભાઈ, કારોબારી ચેરમેનશ્રી પ્રકાશ લોડાયા, આગેવાનશ્રી આશિષભાઈ, હિતેન વ્યાસ, સુરેશ ટાંક, વૈભવ કોડરાણી, દિનેસ ગોસ્વામી, ડેની શાહ, અશ્વિન સોરઠીયા, ગીરીશ પરમાર તેમજ ટ્રસ્ટના પ્રમુખ સોનલબેન મહેતા, તેજશ મહેતા, આચાર્યશ્રી જયેશ પીપળીયા સહિત દાતાશ્રીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.



