KALOL(Panchamahal)PANCHMAHAL

લાંબા વેકેશન બાદ બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યું કેમ્પસ: કાલોલમાં નવા શૈક્ષણિક વર્ષનો ઉત્સાહ સાથે પ્રારંભ.

 

તારીખ ૦૮/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સમગ્ર ગુજરાત રાજ્યની સાથે કાલોલ શહેરમાં પણ આજથી ઉનાળુ વેકેશનની સત્તાવાર સમાપ્તિ થઈ છે. વેકેશન પૂરું થતાં જ આજ રોજથી નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનો ખૂબ જ મંગલમય અને ઉત્સાહભેર પ્રારંભ થયો છે. લાંબા સમયના વિરામ બાદ આજે વહેલી સવારથી જ કાલોલના માર્ગો શાળાના ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓથી ઉભરાતા જોવા મળ્યા હતા.નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત કાલોલની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ એવી ધી એમ.જી.એસ. હાઈસ્કૂલ તેમજ સી.બી. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળા પરિવાર દ્વારા નવા સત્રના પ્રથમ દિવસે શાળામાં પગ મૂકતા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ આપીને પરંપરાગત શૈલીમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓએ પોતાના નવા વર્ગખંડોમાં સ્થાન ગ્રહણ કર્યું હતું અને પદ્ધતિસર શિક્ષણ કાર્યની શરૂઆત કરી દેવામાં આવી હતી.છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી શાંત અને સુમસામ ભાસતા શાળાના કેમ્પસો આજે સવારથી જ બાળકોના કલરવ અને નિર્દોષ કિલકારીઓથી પુનઃ જીવંત બની ઉઠ્યા હતા. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં નવું વર્ષ, નવો વર્ગખંડ, નવા પુસ્તકો અને ખાસ કરીને પોતાના જૂના મિત્રોને મળવાનો એક અદભુત આનંદ અને ઉત્સાહ સાફ વર્તાતો હતો. પ્રાર્થના સભામાં પણ વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ અને ભારે હાજરી જોવા મળી હતી.શાળા સંચાલકો અને આચાર્યો એ તમામ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે શુભકામનાઓ પાઠવી હતી અને તેઓ કારકિર્દીના ઉચ્ચ શિખરો સર કરે તેવી મનોકામના વ્યક્ત કરી હતી. કાલોલ પંથકની તમામ શાળાઓમાં આજથી શૈક્ષણિક ધમધમાટ શરૂ થઈ જતાં શૈક્ષણિક આલમમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!