KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ:ઝેરના મુવાડા ગામમાં કેબલ શોર્ટની સમસ્યા લઈને અંધારામાં ગ્રામજનો, વીજ તંત્ર સામે ભારે આક્રોશ

 

તારીખ ૦૮/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી વીજ કેબલમાં શોર્ટ સર્કિટની સમસ્યાને કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામના અમુક વિસ્તારોમાં પૂરતા વોલ્ટેજ સાથે વીજ પુરવઠો ન મળતા ઘરેલુ તેમજ ખેતીના કાર્યો સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, કાલોલ જી.ઈ.બી. (MGVCL) સબ સ્ટેશનમાં ફોન દ્વારા તેમજ અનેક વખત ઓનલાઈન ફરિયાદો નોંધાવવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી.જવાબદારીમાંથી છટકબારી: જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે ત્યારે અધિકારીઓ એકબીજા પર જવાબદારી ઢોળીને કામગીરીમાંથી હાથ ઊંચા કરી લેતા હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.ઓછો વોલ્ટેજ આવવાને કારણે ઘરના ઈલેક્ટ્રોનિક ઉપકરણો યોગ્ય રીતે ચાલતા નથી. આ ભીષણ ગરમીમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અને સામાન્ય નાગરિકોના દૈનિક જીવન પર તેની સીધી અને માઠી અસર પડી રહી છે.ગ્રામજનોમાં વીજ વિભાગની આ ઘોર બેદરકારી સામે ભારે રોષ અને અસંતોષ વ્યાપી ગયો છે. ગામલોકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક ધોરણે કેબલની મરામત કરી પૂરતો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વીજ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત અને આંદોલન કરવામાં આવશે.હવે જોવાનું એ રહ્યું કે વીજ વિભાગના કુંભકર્ણ નિદ્રામાં પોઢેલા જવાબદાર અધિકારીઓ ઝેરના મુવાડા ગામની આ ગંભીર સમસ્યાનો ક્યારે અંત લાવે છે!

 

Back to top button
error: Content is protected !!