GUJARAT

આડા સંબંધનો અંત લોહીથી!! કાલોલમાં પિતરાઈ ભાઇએ ભાઈને ઉતાર્યો મોતને ઘાટ, લાશના ટુકડા કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ.

તારીખ ૧૧/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે એક ચોંકાવનારી અને હૃદયકંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ભાભી સાથેના પ્રેમ સંબંધમાં અંધ બનેલા પિતરાઈ ભાઈએ પોતાના જ મોટા ભાઈની પત્નીની ઉશ્કેરણીથી કરપીણ હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશના હાથ-પગ કાપીને તળાવની પાળ પાસે દાટી દેવામાં આવી હતી. કાલોલ પોલીસે આ મામલે ગુનો નોંધી બે આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદ અનુસાર, ભાદરોલી બુઝર્ગ ગામના નદીવાળા ફળિયામાં રહેતા જગદિશભાઈ નરવતસિંહ સોલંકીએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના મોટા ભાઈ રાજેશભાઈ નરવતસિંહ સોલંકી (ઉં.વ. ૩૫) ના લગ્ન શિલ્પાબેન સાથે થયા હતા. જોકે, શિલ્પાબેનને તેમના જ પિતરાઈ દિયર એટલે કે કાકાના દીકરા ધર્મેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ આડા સંબંધની બાબતે રાજેશભાઈ અવારનવાર પત્ની શિલ્પા સાથે બોલાચાલી અને તકરાર કરતા હતા. આથી કંટાળીને શિલ્પાબેને ધર્મેન્દ્રસિંહ પર રાજેશને રસ્તામાંથી હટાવી દેવા (હત્યા કરવા) માટે સતત દબાણ કર્યું હતું.ગત ૪ જૂન ૨૦૨૬ના રોજ રાત્રિના ૨૨:૦૦ થી ૨૩:૦૦ વાગ્યાના સુમારે, ધર્મેન્દ્રસિંહ રાજેશભાઈને પોતાની સાથે ગામના મોટા તળાવની પાળ પાસે લઈ ગયો હતો. ત્યાં ધર્મેન્દ્રએ રાજેશભાઈ પર પાછળથી ઇંટ વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તેમને ઢસડીને તળાવની ધસમાં આવેલા તૂટેલા ચેકડેમના પથ્થર પર અવારનવાર માથું પછાડીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.હત્યા કર્યા બાદ ધર્મેન્દ્રએ આ અંગે શિલ્પાબેનને વાત કરી હતી, જેથી શિલ્પાબેને લાશને ખાડો ખોદી દાટી દેવા જણાવ્યું હતું. પુરાવાનો નાશ કરવાના ઈરાદે ધર્મેન્દ્રએ તીક્ષ્ણ હથિયાર વડે મૃતક રાજેશભાઈના હાથ અને પગના ટુકડા કરી નાખ્યા હતા અને ચેકડેમ નજીક ખાડો ખોદી, તેમાં મીઠું નાખી લાશને દાટી દીધી હતી.રાજેશભાઈ અચાનક ગુમ થઈ જતાં અને ધર્મેન્દ્ર તથા શિલ્પા પણ ઘરેથી ગાયબ જણાતા પરિવારજનોને શંકા ગઈ હતી. આથી જગદિશભાઈએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ભાઈ ગુમ થયા અંગેની જાહેરાત આપી હતી. પોલીસને ધર્મેન્દ્ર અને શિલ્પાના આડા સંબંધો વિશે જાણ થતાં પોલીસે ધર્મેન્દ્રસિંહને પોલીસ સ્ટેશને બોલાવી કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને સમગ્ર ઘટનાની કબૂલાત કરી હતી.આરોપી ધર્મેન્દ્રએ બતાવેલી જગ્યા પર કાલોલ પોલીસ, મામલતદાર અને પંચોની હાજરીમાં મજૂરો દ્વારા ખાડો ખોદાવીને રાજેશભાઈની ક્ષત-વિક્ષત લાશ બહાર કાઢવામાં આવી હતી. વડોદરા ખાતે પોસ્ટમોર્ટમ કરાવતા મૃત્યુનું કારણ માથામાં થયેલી ગંભીર ઈજાઓ હોવાનું સામે આવ્યું છે.કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી (૧) ધર્મેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી અને (૨) શિલ્પાબેન રાજેશભાઇ સોલંકી વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૦૩(૧) (હત્યા), ૨૩૮(એ) (પુરાવાનો નાશ કરવો), ૫૪ અને જી.પી.એક્ટ કલમ ૧૩૫ (જાહેરનામાનો ભંગ) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. કે ક્રિશ્ચનને સોંપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!