
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – આઈ.ટી.આઈ.નું ફોર્મ ભરવા માટે નીકળે યુવકનુ ગડાદર રેલવે ઓવરબ્રિજ ઉપર અકસ્માતમાં મોત નીપજતું –

અરવલ્લી જિલ્લાના શામળાજી-હિંમતનગર હાઈવે પર આવેલા ગડાદર રેલવે ઓવરબ્રિજ ઉપર રવિવારે બપોરે સર્જાયેલા અકસ્માતમાં 23 વર્ષીય યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
મેઘરજ તાલુકાના અજુના હિરોલા (બાઠીવાડા) ગામના ભરતભાઈ અશ્વીનભાઈ રાવળ (ઉ.વ.23) તા. 15 જૂને સવારે આઈ.ટી.આઈ.નું ફોર્મ ભરવા માટે મોડાસા જવાની વાત કહી ઘરેથી નીકળ્યા હતા. બપોર દરમિયાન પરિવારને અકસ્માતની જાણ થતાં તેઓ શામળાજી સીએચસી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભરતભાઈનું મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ તેમના ગામના જગદીશભાઈ નરેશભાઈ રાવળ સાથે કે.ટી.એમ. મોટરસાયકલ નં. જીજે-31-એએફ-0394 પર મોડાસાથી શામળાજી તરફ જઈ રહ્યા હતા. બપોરે ગડાદર રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થતી વખતે મોટરસાયકલના ચાલક જગદીશભાઈએ બાઈક પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારતા કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી.અકસ્માતમાં ચાલક જગદીશભાઈને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા ભરતભાઈ રોડ પર પટકાતા તેમના માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.મૃતકના પિતા અશ્વીનભાઈ વિરાભાઈ રાવળની ફરિયાદના આધારે પોલીસે મોટરસાયકલ ચાલક જગદીશભાઈ નરેશભાઈ રાવળ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





