
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલને ત્રણ કોમ્પ્યુટર અને પ્રિન્ટરનું દાન
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કુંડોલ (કાગડા મહુડા) ને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સહયોગરૂપે ત્રણ કોમ્પ્યુટર અને એક પ્રિન્ટરનું દાન પ્રાપ્ત થયું છે.

*આ દાન ડૉ. ભુપેશભાઈ ડી. શાહ તથા તેમના સહયોગી ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે. અંતરિયાળ વિસ્તારના ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે અને તેઓ ડિજિટલ યુગ સાથે તાલમેલ સાધી શકે તેવા ઉમદા હેતુથી આ સહાય પૂરી પાડવામાં આવી છે.આ પ્રસંગે શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે દાતા નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ કોમ્પ્યુટર અને પ્રિન્ટરની સુવિધા વિદ્યાર્થીઓમાં ડિજિટલ જ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેની સમજ વિકસાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ પણ દાતાના આ સેવાભાવી કાર્યને બિરદાવ્યું હતું અને આ સહયોગ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.





