ગૌરી આશ્રમશાળામાં ૧૯ વિધાર્થીઓ અને ૧ શિક્ષકને ફૂડ પોઇઝનિંગના આક્ષેપ આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગૌરી આશ્રમશાળામાં ટ્રસ્ટી મંડળની મંજૂરી વિના અજાણ્યા વ્યક્તિઓને બોલાવી વિદ્યાર્થીઓને ભોજન અપાવવાના મામલે ગંભીર વિવાદ ઊભો થયો છે. આ ભોજનના કારણે 19 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને ફૂડ પોઇઝનિંગ થયું હોવાના આક્ષેપો સાથે ગ્રામ મંગલમ ટ્રસ્ટના પ્રમુખ બિપીનભાઈ ગરાસિયાએ આચાર્ય લતાબેન પટેલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
માહિતી મુજબ ગૌરી આશ્રમશાળા છેલ્લા એક મહિનાથી વિવિધ વિવાદોના કેન્દ્રમાં રહી છે. ટ્રસ્ટના પ્રમુખ બિપીનભાઈ ગરાસિયાના જણાવ્યા અનુસાર અગાઉ ટ્રસ્ટીની જાણ બહાર આશ્રમશાળાની કેરીઓ વેચી નાખવાનો મુદ્દો, પાણીની ટાંકી હટાવવાનો વિવાદ અને પાણીના કનેક્શન કાપી નાખવાની ફરિયાદો બાદ હવે ભોજન વિતરણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
આક્ષેપો અનુસાર ગત શનિવારે આચાર્ય લતાબેન પટેલ અને નિવૃત્ત આચાર્ય ગોકુળ પટેલે ટ્રસ્ટીની મંજૂરી વિના કેટલાક અજાણ્યા લોકોને વિદ્યાર્થીઓને ભોજન અપાવવા માટે બોલાવ્યા હતા. ત્યારબાદ સોમવારે રાત્રે 19 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને ઝાડા-ઉલટીની ફરિયાદ થતાં તેઓને ખેરગામ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બીજી તરફ આચાર્ય લતાબેન પટેલે વિદ્યાર્થીઓની તબિયત બગડવાનું કારણ ટેન્કર મારફતે મળેલું પાણી હોવાનું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે ટ્રસ્ટ પ્રમુખ બિપીનભાઈ ગરાસિયાએ આ દાવાને નકારી ફૂડ પોઇઝનિંગ માટે ભોજનને જવાબદાર ગણાવ્યું છે.
આ સમગ્ર ઘટનાને લઈને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પ્રજ્ઞેશ દેસાઈ, સારવાર કરનાર ડૉ. કેતન પટેલ અને બાળરોગ નિષ્ણાત ડૉ. અમિત પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં લાવવામાં આવેલા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકની સ્થિતિ સામાન્ય હતી. તેમને થોડા કલાકો સુધી નિરીક્ષણ હેઠળ રાખ્યા બાદ જરૂરી દવાઓ આપી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
જિલ્લા રોગચાળો નિયંત્રણ વિભાગ દ્વારા પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અહેવાલની રાહ જોવાઈ રહી છે.
ટ્રસ્ટ પ્રમુખ બિપીનભાઈ ગરાસિયાએ આશ્રમશાળા અધિકારી સમક્ષ રજૂઆત કરીને આચાર્ય લતાબેન પટેલને બેદરકારી, ટ્રસ્ટી મંડળના કાર્યમાં ગેરકાયદેસર હસ્તક્ષેપ અને વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. સાથે જ સમગ્ર ઘટનામાં ગોકુળ પટેલની સંડોવણી અંગે નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ ઉઠી છે.
જોકે ગોકુળ પટેલે મીડિયા સમક્ષ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે અને પોતાનો કોઈ દોષ ન હોવાનું જણાવ્યું છે.
આ ઘટનાને પગલે વાલીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. પાણીની સમસ્યા, વિદ્યાર્થીઓના આરોગ્ય અને આશ્રમશાળાના વહીવટ અંગે અનેક પ્રશ્નો ઊભા થતાં હવે સંબંધિત વિભાગો કઈ કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.




