KHERGAMNAVSARI

ખેરગામ તાલુકામાં ફૂડ પોઈઝનિંગના 20 કેસ નોંધાતા પ્રશાસન દોડતું થયું, ગોરી આશ્રમશાળામાં તાત્કાલિક આરોગ્ય તપાસ 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકાના ગોરી ગામ સ્થિત આશ્રમશાળામાં તા. 15 જૂન 2026ની રાત્રે ફૂડ પોઈઝનિંગના 20 શંકાસ્પદ કેસ નોંધાતા પ્રશાસન દોડતું થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મદદનીશ કમિશનરશ્રી (શિક્ષણ/આયોજન અને મોનીટરીંગ), મામલતદાર, તાલુકા હેલ્થ અધિકારી, PHC તીરણવેલની મેડિકલ ટીમ તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓએ સ્થળ પર દોડી જઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્ત 14 કુમારો, 5 કન્યાઓ અને 1 શિક્ષકને CHC ખેરગામ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નહોતી. મેડિકલ ટીમ દ્વારા આશ્રમશાળાના અન્ય વિદ્યાર્થીઓની પણ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. અસરગ્રસ્તોને ORS સહિત જરૂરી સારવાર આપવામાં આવી હતી. ઘટનાના કારણોની તપાસ માટે વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આશ્રમશાળામાં વપરાતા ટેન્કર તથા બોરવેલના પાણીના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સાથે જ વૈકલ્પિક શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ફિલ્ટર પાણીની બોટલો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાળકોને સ્વચ્છતા જાળવવા અને હાથ ધોવાની બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અધિકારીઓએ આશ્રમશાળાના સંચાલકોને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે અને તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!