GIR SOMNATH ગીર સોમનાથ :મોરબી ભાજપના હોદ્દેદારની નંબર પ્લેટ વગરની થાર કાર ગેરકાયદેસર સિંહ દર્શન કરતા ઝડપાઈ, દારૂ હોવાનો પણ આક્ષેપ







GIR SOMNATH ગીર સોમનાથ :મોરબી ભાજપના હોદ્દેદારની નંબર પ્લેટ વગરની થાર કાર ગેરકાયદેસર સિંહ દર્શન કરતા ઝડપાઈ, દારૂ હોવાનો પણ આક્ષેપ


વેરાવળ, ગીર સોમનાથ રિપોર્ટર: મહેન્દ્ર ટાંક, વાત્સલ્યમ સમાચાર
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવાનો એક મોટો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં મોરબી શહેર ભાજપના મંત્રી/હોદ્દેદારની ઓળખ ધરાવતી એક થાર (Thar) કાર અને બે બાઈક વન વિભાગની ટીમને જોઈને નાસી છૂટ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.

સ્થાનિક સૂત્રો અને ગામના આગેવાનો પાસેથી મળતી માહિતી મુજબ, વેરાવળના મંડોર ગામે લાંબા સમયથી સિંહોએ ધામા નાખ્યા છે, જેના કારણે બહારથી અવારનવાર પ્રવાસીઓ અહીં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા માટે આવતા હોય છે. ગત રોજ પણ કેટલાક યુવાનો એક થાર કાર અને બે બાઈક લઈને સિંહ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જોકે, વન વિભાગની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ અંગેની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. વન વિભાગની ટીમને આવતી જોઈને પ્રવાસી યુવાનો પોતાના વાહનો ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યા હતા.
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઝડપાયેલી તમામ બાઈક અને થાર કાર પર નંબર પ્લેટ લગાવવામાં આવી નહોતી. ગામના આગેવાનોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે ઝડપાયેલી કારની અંદર દારૂનો જથ્થો પણ હોઈ શકે છે. આ વાહન મોરબી શહેર ભાજપના મંત્રી/હોદ્દેદારનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ગામલોકોના જણાવ્યા અનુસાર, બહારથી આવતા પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવામાં સ્થાનિક યુવાનો મદદ કરતા હોવાની આશંકા છે. આ મામલે પૂછપરછ કરવા માટે વન વિભાગની ટીમે એક સ્થાનિક યુવાનની અટકાયત કરી છે અને તેને પોતાની સાથે લઈ ગઈ છે.
મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શનનો મામલો.વન વિભાગને જોતા જ પ્રવાસીઓ થાર કાર અને ૨ બાઈક મૂકીને ફરાર.કોઈ પણ વાહન પર નંબર પ્લેટ નહોતી.કારમાંથી દારૂ મળી આવ્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ.વન વિભાગ દ્વારા સ્થાનિક યુવાનની પૂછપરછ શરૂ.હાલ વન વિભાગે નંબર પ્લેટ વગરની થાર કાર અને બંને બાઈક જપ્ત કરીને વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિંહ દર્શનના નામે રાજકીય વગ ધરાવતા લોકો સામે વન વિભાગ કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.



