કાલોલમાં લાકડા ચોરી પર તંત્રની બાજ નજર: મામલતદાર વિકાસભાઇ પટેલે કંડાચ પાસેથી ગેરકાયદે લાકડા ભરેલું ટ્રેક્ટર પકડ્યું.

તારીખ ૧૮/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે કાલોલ મામલતદાર દ્વારા કંડાચ ગામ નજીકથી પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે લાકડા ભરીને જતું એક ટ્રેક્ટર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, કાલોલના મામલતદાર વિકાસ પટેલ અલવા ગામે યોજાયેલી ‘જન કલ્યાણ શિબિર’ પૂર્ણ કરીને મંગળવારે સાંજે પોતાના સરકારી વાહનમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કંડાચ ગામ નજીકથી એક લાકડા ભરેલું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. શંકાસ્પદ જણાતા મામલતદારે તાત્કાલિક ટ્રેક્ટર ઊભું રખાવ્યું હતું અને ચાલક પાસે લાકડાના હેરફેર અંગેના જરૂરી આધાર-પુરાવા તથા પાસ-પરમિટની માંગણી કરી હતી.જો કે, ટ્રેક્ટર ચાલક પાસે લાકડા વહન કરવા માટેની કોઈ પણ પ્રકારની માન્ય પાસ-પરમિટ મળી આવી નહોતી. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જણાતા મામલતદારે કડક વલણ દાખવી ટ્રેક્ટરને તાત્કાલિક જપ્ત કરી કાલોલ મામલતદાર કચેરી ખાતે મોકલી આપવા આદેશ કર્યો હતો. આ ગેરકાયદેસર લાકડા વહનના મામલે વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને આગળની તપાસ અર્થે ફોરેસ્ટ (વન) વિભાગને પણ લેખિત જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.મામલતદારની સતર્ક કામગીરીને પગલે સ્થાનિક સ્તરે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.







