MEHSANAVIJAPUR

વિજાપુર મહાદેવપુરા-ગવાડા આયુષ્માન આરોગ્ય મંદિરનું દિલ્હીની ટીમ દ્વારા NQAS વર્ચ્યુઅલ એસેસમેન્ટ કરાયું

વિજાપુર મહાદેવપુરા-ગવાડા આયુષ્માન આરોગ્ય મંદિરનું દિલ્હીની ટીમ દ્વારા NQAS વર્ચ્યુઅલ એસેસમેન્ટ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મહાદેવપુરા-ગવાડા આયુષ્માન આરોગ્ય મંદિરનું નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) અંતર્ગત દિલ્હીની એનએચએસઆરસી (NHSRC) ટીમ દ્વારા વર્ચ્યુઅલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દર્દી કેન્દ્રિત કામગીરી અને વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોના અમલીકરણનું વિડિયો કોન્ફરન્સિંગ મારફતે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટર સતીષભાઈ પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડો. અનચુ વિલ્સન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુહાગ શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કામગીરીમાં જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો. કેતુલ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચેતન પ્રજાપતિ, ડો. વિજય પટેલ, મેન્ટર મેડિકલ ઓફિસર ડો. મોનિકા પટેલ, આયુષ મેડિકલ ઓફિસર ડો. તૃપ્તિબેન પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ, સીએચઓ સુમિત પટેલ તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હી સ્થિત એનએચએસઆરસીની ટીમના ડો. શિખા ગર્ગ અને મનનીંદર કૌર દ્વારા સગર્ભા માતાઓની સંભાળ, પ્રસૂતિ અને પ્રસૂતિ બાદની સેવાઓ, નવજાત શિશુ અને બાળ આરોગ્ય, રસીકરણ, કિશોર-કિશોરી આરોગ્ય, કુટુંબ કલ્યાણ સેવાઓ તેમજ વિવિધ આરોગ્ય યોજનાઓની કામગીરીનું વર્ચ્યુઅલ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર સહિતના બિનસંચારી રોગોના નિદાન અને સારવાર, દંત આરોગ્ય, કાન-નાક-ગળા સંબંધિત સેવાઓ, માનસિક આરોગ્ય સેવાઓ, વૃદ્ધોની સારવાર, ઇમરજન્સી સેવાઓ તેમજ આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા, હર્બલ ગાર્ડન અને બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. એસેસમેન્ટ દરમિયાન સીએચઓ, એફએચડબ્લ્યુ, એમપીએચડબ્લ્યુ, સરપંચ અને લાભાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી જરૂરી ચેકલિસ્ટ પૂર્ણ કરવામાં આવી હતી.
મહાદેવપુરા-ગવાડા આરોગ્ય કેન્દ્રના સીએચઓ અવનિકાબેન પટેલ, એફએચડબ્લ્યુ વર્ષાબેન પટેલ અને એમપીએચડબ્લ્યુ અંજલ પટેલે એસેસમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ, ઉપસરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!