KALOL(Panchamahal)PANCHMAHAL

નવી નક્કોર બાઇકને પલ્સરે મારી ટક્કર: કાલોલના ગીરઘરપુરી તળાવ પાસે અકસ્માતમાં 28 વર્ષીય યુવકનું કરુણ મોત.

 

તારીખ ૨૦/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ખંડોલી ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક ૨૮ વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. પલ્સર બાઇકના ચાલકે બેફામ ગતિએ વાહન હંકારી સામેથી આવતી મોટરસાયકલને જોરદાર ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ખંડોલી ગામના નિશાળવાળા ફળિયામાં રહેતા ૪૮ વર્ષીય વિધવા તારાબેન પરમારનો ૨૮ વર્ષીય દીકરો હસમુખભાઈ ચંદુભાઈ પરમાર ગઇકાલે ૧૮ જૂન ૨૦૨૬ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં પોતાની મોટરસાયકલ લઇને ખંડોલીથી પાંડુ ગામે જઇ રહ્યો હતો. હસમુખે હજુ ચાર દિવસ પહેલા જ કાલોલના શો-રૂમમાંથી નવી નક્કોર બાઇક ખરીદી હતી, જેનો હજી સુધી આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર પણ આવ્યો નહોતો.હસમુખ જ્યારે મોજે ગીરધરપુરી બસ સ્ટેશનથી થોડે આગળ તળાવ પાસે રોડ પરથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે સામેથી આવતી એક પલ્સર મોટરસાયકલ નંબર: GJ-17-CN-7134 ના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી હસમુખની બાઇકને સામેથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે હસમુખને માથાના ભાગે, ડાબા પગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે પલ્સર ચાલકને પણ ઇજાઓ થઇ હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત હસમુખને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કાલોલ સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં હાજર ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મૃતકની માતા તારાબેન અને પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આખા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.આ મામલે મૃતક યુવકની માતા તારાબેન પરમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં પલ્સર મોટરસાયકલના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ ૨૮૧, ૧૨૫(a), ૧૨૫(b), ૧૦૬(૧) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ એમ આર મોહનીયાને સોંપી છે.

Back to top button
error: Content is protected !!