
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત અંધજન તથા શારીરિક દિવ્યાંગ બાળકોની શાળા ખાતે આજરોજ ૧૨મા વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી હતી.યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કુલ ૧૬૫ દિવ્યાંગ વિદ્યાર્થીઓ તથા ૧૭ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવાના સંદેશ સાથે નિયમિત યોગાભ્યાસના ફાયદાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.શાળાના સંચાલકો અને શિક્ષકોએ જણાવ્યું હતું કે યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખવાનું સાધન નથી, પરંતુ મનને એકાગ્ર, શાંત અને સકારાત્મક બનાવવાનો ઉત્તમ માર્ગ છે. ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે યોગ આત્મવિશ્વાસ, શારીરિક સક્ષમતા અને માનસિક સંતુલન વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.વિશ્વ યોગ દિવસની ઉજવણી દરમિયાન સમગ્ર શાળા પરિસરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને સર્વાંગી વિકાસનો સંદેશ આપતો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.





