પ્રાથમિક શિક્ષકો દ્વારા ટેટ પરીક્ષાનો વિરોધ: ભ્રામક પ્રચારોથી દૂરી રહી સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરવા અને બાળકોના ભવિષ્યનો વિચાર કરવા શિક્ષણપ્રેમીઓનો અનુરોધ

વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
પ્રાથમિક શિક્ષકો દ્વારા ટેટ પરીક્ષાનો વિરોધ: ભ્રામક પ્રચારોથી દૂરી રહી સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરવા અને બાળકોના ભવિષ્યનો વિચાર કરવા શિક્ષણપ્રેમીઓનો અનુરોધ
મુંદરા, તા.૨૨:
હાલમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ટેટ પરીક્ષાના આયોજન સામે વિરોધ પ્રદર્શન અને રેલીઓના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમો દ્વારા ‘૭૫,૦૦૦ શિક્ષકોની નોકરી પર ખતરો’ હોવાનો જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તે તદ્દન ભ્રામક, અતિશયોક્તિભર્યો અને વાસ્તવિકતાથી વેગળો છે. શિક્ષણ જગતના તટસ્થ વિશ્લેષકો અને જાગૃત નાગરિકોના મતે આ આખો વિવાદ માત્ર ગણતરીના બિન-લાયક કે નબળા તત્વોના બચાવ માટે ઊભો કરવામાં આવ્યો છે જેના કારણે લાખો નિર્દોષ બાળકોનું શિક્ષણ બાનમાં મુકાઈ રહ્યું છે.
૧. સુપ્રીમ કોર્ટનો આદેશ સર્વોચ્ચ છે, રાજ્ય સરકાર તેમાં કોઈ ફેરફાર ન કરી શકે :
શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વર્ષ ૨૦૧૦ બાદ ૧૬ વર્ષના દીર્ઘાકાલીન મંથન અને વિચારણા પછી ભારતની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) દ્વારા દેશભરમાં શિક્ષકો માટે આ નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. કાયદાકીય સ્થિતિ મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર જઈને રાજ્ય સરકાર તેમાં કોઈ મનસ્વી સુધારો કે મુક્તિ આપી શકે નહીં. આ વાસ્તવિકતા જાણતા હોવા છતાં શિક્ષક સંઘો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવા એ લોકશાહી અને ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડવા બરાબર છે.
૨. ૧૨ વર્ષના ગાળામાં ૭૫,૦૦૦ નો આંકડો જ તાર્કિક રીતે શંકા ઉપજાવે છે.
વર્ષ ૧૯૯૮ થી ૨૦૧૦ સુધીના ૧૨ વર્ષના ગાળામાં નિયમિત પ્રક્રિયા હેઠળ ભરતી થયેલા મોટાભાગના શિક્ષકો ઉચ્ચ ગુણવત્તા અને યોગ્ય લાયકાત ધરાવે છે. તેઓ કોઈપણ સમયે ટેટ પરીક્ષા પાસ કરવાની પૂરતી ક્ષમતા અને જ્ઞાન ધરાવે છે જ. આ સમયગાળામાં ઘણા શિક્ષકો અન્ય જગ્યાએ બદલી કરાવવા કે પ્રમોશન માટે અગાઉથી જ ટેટ પાસ કરી ચૂક્યા છે. વાસ્તવિકતા એ છે કે માત્ર ૫,૦૦૦ જેટલા જ એવા તત્વો છે જેઓ કદાચ પ્રથમ પ્રયત્ને પાસ થવામાં અસમર્થતાનો અનુભવ કરી શકે. આવા ગણતરીના લોકો માટે થઈને લાખો બાળકોના ભવિષ્યને દાવ પર લગાવવું અને ‘૭૫,૦૦૦ ની નોકરી જોખમમાં’ હોવાનો ડર ફેલાવવો એ નૈતિક રીતે પણ અયોગ્ય છે.
૩. ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ – તો પછી પરીક્ષાનો વિરોધ શા માટે?
“શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં” – આ ઉક્તિને સાર્થક કરનારે સતત જ્ઞાનવૃદ્ધિ અને પરીક્ષણથી ડરવું ન જોઈએ. સોનાએ પણ પોતાની શુદ્ધતા સાબિત કરવા અગ્નિમાં તપવું પડે છે. દરેક સરકારી વિભાગમાં ઉચ્ચતર પગારધોરણ કે બઢતી માટે ખાતાકીય પરીક્ષાઓ અનિવાર્ય હોય છે. વળી સરકારે શિક્ષકોની રજૂઆત ધ્યાને લઈને જ પરીક્ષાનો સમય ૧૨૦ મિનિટથી વધારીને ૧૫૦ મિનિટ કર્યો છે અને અભ્યાસક્રમ પણ ધોરણ ૧ થી ૮ ના વિષયો આધારિત સરળ રાખ્યો છે. પાસ થવા માટે ઓગસ્ટ ૨૦૨૮ સુધીનો પૂરતો સમય પણ આપવામાં આવ્યો છે વર્ષમાં બે વખત પરીક્ષા યોજવાની જાહેરાત પણ કરી છે આમ છતાં પરીક્ષાના માળખાને નબળું પાડવા કે પાસિંગ ગુણ ઘટાડવાના ઈરાદા સાથે હડતાલનું શરણું લેવું એ શિક્ષણ જગતને નીચું જોવા જેવું છે.
૪. લાખોના પગારદાર શિક્ષકો સામે ફિક્સ પગારના ઉમેદવારોની મજબૂરી:
વર્ષ ૨૦૨૬ ૧લી જાન્યુઆરીથી આઠમા પગારપંચની જોગવાઈઓ લાગુ થઇ ગઈ છે જેનાથી કાયમી શિક્ષકોનો પગાર છ આંકડામાં (લાખમાં) પહોંચશે. આ આઠમા પગારપંચ સમિતિની જોગવાઈ મુજબ પણ વાર્ષિક ઇજાફો કામગીરીની સમીક્ષાના આધારે જ આપવાનું સૂચન છે જે ખાનગી ક્ષેત્રની જેમ જ વ્યાજબી પ્રક્રિયા છે. એક તરફ લાખોનો પગાર મેળવતા શિક્ષકો માત્ર પરીક્ષા આપવાના વિરોધમાં રોડ પર ઉતરે છે જ્યારે બીજી તરફ ટેટ અને જીસેટ જેવી અઘરી પરીક્ષાઓ પાસ કરીને પણ હજારો યુવા ઉમેદવારો માત્ર ૫ થી ૧૦ હજારના ફિક્સ પગારમાં ખાનગી કે સરકારી શાળાઓમાં ભૂખ્યા પેટે સેવા આપી રહ્યા છે અને ઘણી જગ્યાએ આ હડતાલના સમયમાં પણ તેઓ જ શાળાઓ સંભાળી રહ્યા છે. પેટનો ખાડો ભરાઈ ગયા બાદ આવા શિક્ષક સંઘોએ આ ગરીબ અને લાયક ઉમેદવારોના હિત માટે ક્યારેય અવાજ ઉઠાવ્યો છે ખરો?
૫. સરકારી સૂચનાઓનો ભંગ અને રાષ્ટ્રીય ફરજોથી વિમુખતા:
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈંધણ (પેટ્રોલ/ડીઝલ) બચાવવા કરાયેલી અપીલને માન આપીને સરકાર તમામ મહત્વની મિટિંગો અને તાલીમો ઓનલાઈન યોજી રહી છે. તેની સામે શિક્ષિત વર્ગ ઓનલાઈન રજૂઆત કરવાને બદલે પર્સનલ એસી કાર લઈને જિલ્લા કક્ષાએ એકઠા થઈ ઈંધણનો વેડફાટ કરે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તે ચિંતાજનક બાબત છે. આ ઉપરાંત વસ્તીના પ્રમાણમાં શાળાઓમાં પૂરતો સ્ટાફ હોવા છતાં રાષ્ટ્રીય કામગીરીઓ વખતે બાળકના અભ્યાસનું બહાનું કાઢીને વિરોધ કરવો અને પોતાના વિરોધ પ્રદર્શનો વખતે બાળકોના ભવિષ્યનો વિચાર કર્યા વગર સમય વેડફવો એ બેવડી નીતિ ઘણું બધું કહી જાય છે.
અપીલ:
ગુજરાતના શિક્ષણ વિભાગ, માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી આ બાબતે તાકીદે હસ્તક્ષેપ કરે અને શાળાઓનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે કડક પરિપત્ર જાહેર કરી યોગ્ય પગલાં લે તેવી સમયની માંગ છે.
સમગ્ર શિક્ષક આલમને નમ્ર અપીલ છે કે તેઓ પણ લેભાગુ તત્વો કે સંઘના અમુક અગ્રણીઓના ગેરમાર્ગે દોરનારા પ્રચારોમાં આવ્યા વિના કિંમતી સમય રેલીઓ કે ધરણાંમાં વેડફવાને બદલે રાષ્ટ્રના ભાવિ એવા બાળકોના ઘડતરમાં અને આગામી ટેટ પરીક્ષાની સજ્જતાની તૈયારીઓમાં જોડાઈ જાય. સતત અભ્યાસ અને કર્મનિષ્ઠા જ શિક્ષકની સાચી ઓળખ છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



