
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા – ૨૧ જૂન : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) હેઠળ કાર્યરત રિજનલ સાયન્સ સેન્ટર – ભુજ ખાતે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “Yoga for Healthy Ageing” છે, જે જીવનના દરેક તબક્કે સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવાના મહત્વને પ્રોત્સાહિત કરે છે.કાર્યક્રમનો શુભ આરંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વર્ષના સૌથી લાંબા દિવસ તરીકે ઓળખાતા ગ્રીષ્મ અયનાંત (Summer Solstice) અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વચ્ચેના વૈજ્ઞાનિક સંબંધ અંગે ઉપસ્થિત સહભાગીઓને માહિતી આપવામાં આવી હતી. યોગ શરીર, મન અને પ્રકૃતિ વચ્ચે સંતુલન સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.યોગ નિષ્ણાત શ્રીમતી નિશાબેન ગોર દ્વારા ઉપસ્થિત સહભાગીઓને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે નિયમિત યોગાભ્યાસના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર થતા હકારાત્મક પ્રભાવ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં 36 ગુજરાત એનસીસી બટાલિયનના કેડેટ્સે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન યોગના વૈજ્ઞાનિક મહત્વ, તંદુરસ્ત વૃદ્ધત્વ તથા સર્વાંગી સુખાકારીમાં યોગના યોગદાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન રિજનલ સાયન્સ સેન્ટર – ભુજના પ્રોજેક્ટ ડિરેક્ટર વિરલ પરમાર ના માર્ગદશન હેઠળ મેનેજર આરતી આર્ય તથા સમગ્ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.







