અવિરત અવાજની અગિયાર વર્ષની સફર જૂનાગઢ જનવાણી ૯૧.૨ એફ.એમ.નો બારમા વર્ષમાં મંગલ પ્રવેશ
અવિરત અવાજની અગિયાર વર્ષની સફર જૂનાગઢ જનવાણી ૯૧.૨ એફ.એમ.નો બારમા વર્ષમાં મંગલ પ્રવેશ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત ‘જૂનાગઢ જનવાણી ૯૧.૨ એફ.એમ.’ આજે તેની સ્થાપનાના અગિયાર વર્ષ પૂર્ણ કરીને બારમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ૨૪ જૂન, ૨૦૧૫ના રોજ શરૂ થયેલા આ કોમ્યુનિટી રેડિયોએ શરૂઆતથી આજદિન સુધી એક પણ દિવસ વિરામ લીધા વિના સતત પ્રસારણ જાળવી રાખીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સ્થાનિક ભાષા, કૃષિ જ્ઞાન અને લોકસંસ્કૃતિના જતન માટે સમર્પિત આ કોમ્યુનિટી રેડિયો દ્વારા વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ સુધી દરરોજ બે કલાક અને ત્યારબાદ સ્થાનિક ખેડૂતો તથા શ્રોતાઓની માંગને ધ્યાનમાં રાખીને સવારે બે કલાક અને સાંજે બે કલાક એમ કુલ ચાર કલાકનું નિયમિત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન કુલ ૧૨,૨૨૦ કલાકથી વધુ પ્રસારણ કરવામાં આવ્યું છે. જેમાં આશરે ૧,૭૦૦ કૃષિ વાર્તાલાપ, ૧,૪૫૦ જેટલા અન્ય માહિતીસભર કાર્યક્રમો, એક હજાર જેટલા સંતવાણી અને લોકગીત આધારિત કાર્યક્રમો તેમજ ૯૦૦ જેટલા હિન્દી ગીતોના કાર્યક્રમો સહિત અનેક વિષયો આવરી લેવાયા છે. કૃષિ, આરોગ્ય, બાળ વિકાસ, સાહિત્ય, સ્થાનિક સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિને કેન્દ્રસ્થાને રાખી જનવાણી સતત કાર્યરત છે. કોમ્યુનિટી રેડિયોની વિચારધારાની શરૂઆત અન્ના યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો રામામૂર્તિ શ્રીધરના પ્રયાસોથી થઈ હતી. આ વાતની જાણ કરતા આનંદ થાય છે કે’ કોમ્યુનિટી રેડિયોના જનકને ભારત સરકાર દ્વારા આજ વર્ષે તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમના મતે સ્થાનિક ભાષામાં જ્ઞાનનું પ્રસારણ થાય તો ખેડૂતો અને ગ્રામ્ય સમાજને તેનો વધુ લાભ મળે તે હેતુથી શરૂ થયેલી આ પહેલ આજે લોકજાગૃતિનું અસરકારક માધ્યમ બની છે. યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો વી પી ચોવટિયા જણાવે છે કે જૂનાગઢ જનવાણીને તેના નોંધપાત્ર યોગદાન બદલ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાએ જનવાણી સાથે સંકળાયેલા તમામ સ્ટાફ સભ્યો, કાર્યક્રમ નિર્માતાઓ, સર્જકો તથા પ્રસારણ કાર્યમાં જોડાયેલા સહયોગીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, “સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓના અનેક રેડિયો સ્ટેશનો સમયાંતરે બંધ થઈ ગયા હોવા છતાં જૂનાગઢ જનવાણી ૯૧.૨ એફ.એમ. સતત અવિરત સેવા આપી રહ્યું છે. આવનારા સમયમાં પણ આ રેડિયો ખેડૂતો, ગ્રામ્ય સમાજ અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે વધુ સક્રિય બનીને સેવા આપતું રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું.” અગિયાર વર્ષની અવિરત સફર પૂર્ણ કરીને બારમા વર્ષમાં પ્રવેશ કરનાર જૂનાગઢ જનવાણી ૯૧.૨ એફ.એમ. આજે સૌરાષ્ટ્રના ગ્રામ્ય સમાજ અને ખેડૂતોનો વિશ્વાસપાત્ર અવાજ બનીને લોકજાગૃતિનું અનોખું માધ્યમ સાબિત થઈ રહ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





