DAHODFATEPURA

ફતેપુરામાં RNBની સરકારી જમીન પર અતિક્રમણ કરી ૧.૬૮ લાખના ભ્રષ્ટાચારનો આક્ષેપ: તટસ્થ તપાસની માંગ

તા.૨૩.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Fatepura:ફતેપુરામાં RNBની સરકારી જમીન પર અતિક્રમણ કરી ૧.૬૮ લાખના ભ્રષ્ટાચારનો આક્ષેપ: તટસ્થ તપાસની માંગ

 

ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટમાં મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ સામે આવ્યો છે. સ્થાનિક રહીશ વિશાલ નાહર દ્વારા તાલુકા વિકાસ અધિકારી (TDO) ને કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફતેપુરામાં આવેલી RNB (માર્ગ અને મકાન) વિભાગની જાહેર જમીન પર ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર કબજો કરી ત્યાં પતરાની કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે.શું છે સમગ્ર મામલો? અરજદારના આક્ષેપ મુજબ, પંચાયત દ્વારા જે જગ્યા પર કમ્પાઉન્ડ બનાવવામાં આવી છે, તે RNB વિભાગની માલિકીની છે અને પંચાયતના અધિકારક્ષેત્રમાં આવતી નથી. આ કામના નામે પંચાયતના રેકોર્ડમાંથી ૧,૬૮,૦૦૦/- રૂપિયાનું તોતિંગ પેમેન્ટ ઉપાડી લેવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતામાં ત્યાં કોઈ વિકાસ કામ થયેલું જણાતું નથી. માત્ર પતરાની કામચલાઉ કમ્પાઉન્ડ બનાવીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.ગંભીર આક્ષેપો:સરકારી મિલકતનું અતિક્રમણ: RNB વિભાગની જમીન પર પંચાયતને કબજો કરવાનો કોઈ કાનૂની અધિકાર ન હોવા છતાં અતિક્રમણ કરવામાં આવ્યું છે. બોગસ ખર્ચ: ગ્રામસભા કે સામાન્ય સભાના ઠરાવ અને યોગ્ય તાંત્રિક મંજૂરી વગર બોગસ બિલ બનાવી ૧.૬૮ લાખ રૂપિયાની રકમ ચાઉં કરી જવામાં આવી છે. નિયમોનો ભંગ: પંચાયત ધારા અને નાણાકીય નિયમોના ઉલ્લંઘન કરી સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.તંત્ર સમક્ષ માંગણી:અરજદારે સંબંધિત અધિકારીઓ પાસે માંગ કરી છે કે, તાત્કાલિક અસરથી આ કામના બિલ, માપપત્ર (MB), ઠરાવ અને પેમેન્ટની નકલોની તપાસ કરવામાં આવે. જો ભ્રષ્ટાચાર સાબિત થાય, તો જવાબદાર સરપંચ અને પંચાયતના અધિકારીઓ પાસેથી વસૂલાત કરવામાં આવે અને ગુજરાત પંચાયત અધિનિયમ તથા ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.આ અંગેની નકલ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દાહોદ, કાર્યપાલક ઇજનેર (RNB) દાહોદ, જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીની સ્વાગત ફરિયાદ નિવારણ કચેરીને પણ રવાના કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ ગંભીર આક્ષેપોને ધ્યાને લઈ શું કાર્યવાહી કરે છે.

Back to top button
error: Content is protected !!