MORBI:મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ અને માળી કામની ખાસ તાલીમ અપાશે; આઇ-ખેડુત પોર્ટલ પર અરજીઓ મંગાવાઈ




MORBI:મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ અને માળી કામની ખાસ તાલીમ અપાશે; આઇ-ખેડુત પોર્ટલ પર અરજીઓ મંગાવાઈ

મહિલાઓને સ્વનિર્ભર બનાવવા “સ્ટાઇપેન્ડ યોજના” અને “અર્બન ગ્રીન મિશન” હેઠળ ૯ જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
૧૮ થી ૫૦ વર્ષની વયજૂથની મહિલાઓ આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર અરજી કરી યોજનાનો લાભ લઈ શકશે

ગુજરાત સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન મોરબી જિલ્લાની મહિલાઓને આર્થિક રીતે પગભર અને સ્વનિર્ભર બનાવવાના આશયથી ખાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત ફળ અને શાકભાજી પરિરક્ષણ માટેની “મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)” યોજના તેમજ “અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ)” માટે આઇ-ખેડુત પોર્ટલ ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in (આઇ-ખેડુત પોર્ટલ ૨.૦) પર તા. ૦૯/૦૭/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.
આ તાલીમ ૧૮ થી ૫૦ વર્ષની વય જૂથની મહિલાઓને તેમજ ૨૫ થી ૫૦ મહિલાઓના ગ્રુપમાં આપવામાં આવશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે તેની પ્રિન્ટ નકલ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ કલેઇમ સબમીટ કરતી વખતે તે પ્રિન્ટ પર સહી કરી જરૂરી આધારભૂત દસ્તાવેજો (ઓળખપત્રની નકલ, રેશનકાર્ડની નકલ, બેંક પાસબૂકની નકલ અથવા રદ કરેલ ચેક) સાથે દિન-૭માં રૂબરૂ અથવા ટપાલ દ્વારા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬/૨૨૭, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબીના સરનામે પહોંચતી કરવાની રહેશે.
વધુ વિગતો અને માર્ગદર્શન માટે કચેરીનો રૂબરૂ અથવા ફોન નં:- ૦૨૮૧-૨૪૪૫૫૧૭ ઉપર સંપર્ક સાધવા મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.



