
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૫ જૂન : કચ્છના ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન પર અંકુશ લાવવા માટે કચ્છ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન અંતર્ગત ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ દ્વારા આજે સવારે ખાવડા ગામ નજીક આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન ખનીજનું વહન કરતા ઓવરલોડ અને રોયલ્ટી પાસ વિનાના અંદાજિત ૭ જેટલા ટ્રકો ઝડપાયા હતા. ગેરકાયદેસર રીતે ખનીજની હેરાફેરી કરતા આ વાહનોને રોકીને ચકાસણી કરવામાં આવતા વાહનચાલકો પાસે કોઈ માન્ય રોયલ્ટી પાસ કે આધારભૂત દસ્તાવેજો મળી આવ્યા ન હતા.કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહીમાં ગેરકાયદેસર ખનીજ અને અંદાજિત ૭ જેટલા વાહનો મળીને કુલ રૂ. ૧ કરોડ ૭૫ લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ વાહનોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને દંડ વસૂલવા માટે સંબંધિત વિભાગને સોંપવામાં આવ્યા છે.




