
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
ગેરકાયદેસર ખનન અને વહન સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવીને તંત્ર દ્વારા કરાશે કાર્યવાહી.
અબડાસા કચ્છ,તા-૨૫ જૂન : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજોની બિનઅધિકૃત હેરફેરને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશરૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, પશ્ચિમ કચ્છ દ્વારા જિલ્લાભરમાં સર્વેલાન્સ અને સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે.આ ઝુંબેશના ભાગરૂપે કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છના ભૂસ્તરશાસ્ત્રીશ્રી દેવેન્દ્રસિંહ બારીયાએ ખાણ-ખનીજ વિભાગની વિશેષ તપાસ ટીમ બનાવી અબડાસા તાલુકાના કેરવાંઢ-વડસર વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ ચકાસણી દરમિયાન સાદી માટીનું ગેરકાયદેસર ખનન અને પરિવહન થતું હોવાની ગંભીર પ્રવૃત્તિઓ સામે આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ખનન અને વહનમાં સંડોવાયેલા ૪ ડમ્પર તથા ૨ એક્સકેવેટર મશીનો ઘટનાસ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન વાહનચાલકો અને જવાબદાર વ્યક્તિઓ કોઈપણ પ્રકારના રોયલ્ટી પાસ અથવા અન્ય આધારભૂત દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી આ તમામ વાહનો અને મશીનરીને કાયદેસર રીતે કબજે લેવામાં આવ્યા હતા.જપ્ત કરવામાં આવેલા આ ૪ ડમ્પરો અને ૨ એક્સકેવેટર મશીનોની અંદાજિત કિંમત આશરે ૨ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ તમામ મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાયોર પોલીસ સ્ટેશન ખાતે સોંપીને પોલીસ કસ્ટડીમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સુશ્રી ખુશાલી ગરવા, માઇન્સ સુપરવાઇઝર સર્વશ્રી આશિષ પટેલ, દર્શન જોશી, હર્ષદ પ્રજાપતિ, જય કુંડારીયા તેમજ ડ્રાઈવર શ્રી સોયબ રાયમા દ્વારા સક્રિય કામગીરી બજાવવામાં આવી હતી. હાલમાં આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા સંબંધિત વાહનચાલકો અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ સરકારશ્રીના પ્રવર્તમાન ખાણ અને ખનીજ નિયમોની વિવિધ જોગવાઈઓ અનુસાર જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પશ્ચિમ કચ્છ (ભુજ) ભૂસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર ખનન, ખનીજ ચોરી, રોયલ્ટી ચોરી અને ખનીજ નિયમોના ઉલ્લંઘન સામે તંત્ર દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવવામાં આવી છે. આગામી દિવસોમાં પણ કચ્છ જિલ્લામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે અટકાવવા માટે વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને નિયમભંગ કરનારા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે.







