કાલોલ શહેર સ્થિત સીબી ગર્લ્સ હાઈસ્કૂલના ધાબે સતત બીજા વર્ષે ટીટોડીએ મૂક્યા ઈંડા, ખેડૂતોમાં સારા ચોમાસાની આશા.

તારીખ ૩૦/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કુદરતના સંકેતો અને લોકવાયકાઓ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ એટલી જ પ્રાસંગિક છે. કાલોલ શહેરમાંથી ચોમાસાને લઈને એક રસપ્રદ અને આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. અહીંની જાણીતી સી.બી. ગર્લ્સ હાઇસ્કુલના ધાબા પર સતત બીજા વર્ષે ટીટોડીએ ઈંડા મૂક્યા છે, જેને પગલે ચાલુ વર્ષે પણ ચોમાસું ખૂબ જ સારું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યાં ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સી.બી. ગર્લ્સ હાઈસ્કુલના ધાબા પર ટીટોડીએ ત્રણ ઈંડા મૂકેલા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ અહીં ટીટોડીએ ત્રણ ઈંડા મૂક્યા હતા અને ત્યારબાદ પંથકમાં ઉત્તમ વરસાદ નોંધાયો હતો. આ વર્ષે પણ એ જ ઘટનાનું પુનરાવર્તન થતાં સ્થાનિકો અને ખેડૂતોમાં આગામી ચોમાસાને લઈને ભારે ઉત્સાહ અને સકારાત્મકતા જોવા મળી રહી છે.ઊંચી જગ્યાએ ઈંડા મૂકવા પાછળની લોકમાન્યતા ગ્રામીણ સંસ્કૃતિમાં ટીટોડીના ઈંડાના સ્થાન, સંખ્યા અને સ્થિતિના આધારે ચોમાસાનું વિશ્લેષણ કરવાની વર્ષો જૂની પરંપરા છે. ગ્રામજનોના મતે અને લોકમાન્યતા મુજબ, જો ટીટોડી નીચી જગ્યાએ ઈંડા મૂકે તો ઓછો વરસાદ પડે છે. પરંતુ જો તે ઘરના ધાબા, ઊંચી ઇમારતો કે ખેતરમાં ઝુંપડાની ઉપર ઈંડા મૂકે તો ચોમાસું ચોક્કસપણે સારું રહે છે.એવું માનવામાં આવે છે કે ટીટોડી આગામી વરસાદની પરિસ્થિતિને અગાઉથી જ પારખી લે છે. વરસાદના પાણીથી પોતાના ઈંડાને બચાવવા માટે તે જાણીજોઈને ઊંચા સ્થાનોની પસંદગી કરે છે.ગ્રામીણ વિસ્તારોના જગતના તાતનું માનવું છે કે પ્રકૃતિના આ સંકેતો અને અંદાજો સામાન્ય રીતે ખૂબ જ સચોટ નીવડે છે. કાલોલમાં બનેલી આ ઘટના બાદ ચાલુ વર્ષે પણ મેઘરાજા મન મૂકીને વરસશે તેવી આશા પ્રબળ બની છે.







